
ભાવનગર, 18 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વલ્લભીપુરના વાઘેશ્વરી માતા મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તથા આસપાસના ગામોના 540થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રસંગે વલ્લભીપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગોહિલ હરદીપસિંહ, તાલુકા પંચાયત સદસ્ય સોલંકી ઉદસંગ, પરમાર ભીમજી, કારોબારી અધ્યક્ષ ચૌહાણ દિનેશ તેમજ ગોહિલ અજીતસિંહ સહિતના સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનની ઉર્વરતા જાળવવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે પ્રેરિત કર્યા હતા.
કાર્યશાળામાં કૃષિ નિષ્ણાતો અને વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, જીવામૃત, ઘનજીવામૃત, દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વિકલ્પો સહિતના વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી વધુ નફાકારક અને આરોગ્યપ્રદ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પશુપાલન વિભાગ, બાગાયત વિભાગ, આરોગ્ય વિભાગ વલ્લભીપુર, આત્મા (ATMA) ભાવનગર તેમજ માતૃભૂમિ નેચરલ વર્લ્ડ – જેસર દ્વારા માહિતીપ્રદ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ અને કૃષિ સંબંધિત માહિતી સરળતાથી મળી રહે તે માટે સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ ‘સંકલ્પ સેલ્ફી પોઈન્ટ’ ખાતે ખેડૂતોએ “હવે હું સંકલ્પ કરું છું... હું પ્રાકૃતિક ખેતી જ કરીશ”ના સંદેશ સાથે તસવીરો ખેંચાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA