
રાજપીપળા,18 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવિણ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના ભદામ અને વડિયા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિરોના માધ્યમથી સરકાર નાગરિકોના દ્વારે પહોંચી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. તેમણે વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને સંવેદનશીલતા અને સેવા ભાવના સાથે કામગીરી કરવા પણ અનુરોધ કર્યો હતો.
મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ જનહિતકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. તેમણે કુંભારના ઉદાહરણ દ્વારા વિચાર પરિવર્તન અને લોકકલ્યાણ વચ્ચેનો સંબંધ સમજાવતા જણાવ્યું હતું કે સકારાત્મક દૃષ્ટિકોણ અને નવીન વિચારસરણી સમાજના સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બાળકના જન્મથી લઈને જીવનના દરેક તબક્કે નાગરિકોને સહાયરૂપ બને તેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. વિકસિત ભારત-2047ના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે જનભાગીદારી અને દરેક નાગરિકનું યોગદાન અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. “સૌપ્રથમ ગામનો વિકાસ, ત્યારબાદ જિલ્લાનો વિકાસ અને રાજ્યનો વિકાસ થશે ત્યારે જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બનશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
વિકાસની સાથે સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ પણ એટલું જ મહત્વનું હોવાનું જણાવતાં મંત્રીએ સ્પિરિચ્યુઅલ ટુરિઝમ અને સાંસ્કૃતિક વિરાસતોના જતન માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી હતી. વિકાસ અને વિરાસત વચ્ચેનું સંતુલન જળવાઈ રહે તે માટે નાગરિકોના સહયોગની પણ તેમણે અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કુલ 22 સ્થળોએ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો નાગરિકોને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જિલ્લા અને તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી લાભાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહ્યા છે.
તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓની યોગ્ય માહિતી મેળવી તેનો લાભ લેવા ઉપરાંત અન્ય લોકોને પણ તેની જાણકારી પહોંચાડે. કેટલીક યોજનાઓનો લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરવામાં આવતો હોવાથી વધુમાં વધુ નાગરિકોએ આ શિબિરનો લાભ લેવો જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણ, આરોગ્ય અને પોષણના ક્ષેત્રોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જનકલ્યાણ શિબિર દરમિયાન વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની સાથે સંવાદ યોજાયો હતો. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભદામ ખાતે યોજાયેલી શિબિરમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે વડિયા ખાતે યોજાયેલી શિબિરમાં પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર પરશનજીત કૌરે સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વન વિભાગના સહયોગથી મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ