
રાજપીપળા,18 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026-27 માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન 23,24 અને 25 જૂન દરમિયાન નર્મદા જિલ્લાની બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલોમાં કરવામાં આવશે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો, કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવાનો તેમજ શાળામાં નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો તથા શિક્ષણ પ્રત્યે સમાજમાં સકારાત્મક અભિગમ વિકસાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં 20 જૂન ના રોજ સવારે 11 કલાકે જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે આયોજન સમીક્ષા બેઠક યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ