બોટાદ જિલ્લામાં 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
બોટાદ,18 જૂન (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ-2026 અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં ર
મિટિંગ માં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા


બોટાદ,18 જૂન (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 23 થી 25 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ-2026 અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં કાર્યક્રમના સુચારુ આયોજન અને શિક્ષણના વ્યાપને વધુ મજબૂત બનાવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત હાથ ધરાનારી વિવિધ પ્રવૃત્તિઓ, નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક, સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્કના અમલીકરણ તેમજ ‘નિપુણ ગુજરાત’ અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા, શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવા અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેના પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં પણ તા. 23 થી 25 જૂન દરમિયાન બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને શાળા પ્રવેશના વ્યાપને વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ શાળા છોડનાર બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ પ્રયાસો હાથ ધરાશે.

બોટાદ જિલ્લા સેવા સદન ખાતે આવેલા વિડિઓ કોન્ફરન્સ હોલમાંથી જિલ્લા કલેકટર હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી બી.સી. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામી, પ્રાંત અધિકારી સંજય ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા. અધિકારીઓએ જિલ્લામાં પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે જરૂરી આયોજન અને સંકલન અંગે ચર્ચા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande