
પાટણ, 18 જૂન (હિ.સ.) પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી લગ્નપ્રસંગો અને તહેવારોને ધ્યાનમાં રાખીને ડીજે માલિકો અને ઓપરેટરોની તાકીદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીઆઈ કે. જે. ભોંયે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના આપી હતી.
પીઆઈ ભોંયે જણાવ્યું કે ડીજે વગાડતી વખતે નિર્ધારિત ડેસિબલ મર્યાદાનું પાલન ફરજિયાત છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે પોલીસ વિભાગ સખત કાર્યવાહી કરશે અને નિયમોના ભંગને સહન કરવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રાત્રે 10 વાગ્યા પછી ડીજે વગાડવા પર પ્રતિબંધ છે. સમયમર્યાદાનું ઉલ્લંઘન કરનાર ડીજે ઓપરેટર તેમજ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં ઘોંઘાટથી બીમાર લોકો, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને થતી તકલીફ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. પોલીસ તંત્રએ નિયમોનું પાલન કરવા અપીલ કરી અને ઉલ્લંઘન કરનારાઓ સામે દંડ તથા જપ્તી જેવી કડક કાર્યવાહીનો ઈશારો આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ