સુરતમાં બીએપીએસ હોસ્પિટલ પાસે ઈવી શો-રૂમમાં ભીષણ આગ, ફાર્મસી અને રેસ્ટોરન્ટ પણ ઝપેટમાં
સુરત, 18 જૂન (હિ.સ.)-શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં સવારે ભીષણ આગની ઘટના બની હતી. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલ નજીક એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) શો-રૂમમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લી
EV शोरूम में भीषण आग


સુરત, 18 જૂન (હિ.સ.)-શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં સવારે ભીષણ આગની ઘટના બની હતી. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલ નજીક એક ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) શો-રૂમમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેની ચપેટમાં નજીક આવેલી એપોલો ફાર્મસી તેમજ એક રેસ્ટોરન્ટ પણ આવી ગયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની ગરમીથી લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળ્યું

આગ એટલી પ્રચંડ હતી કે તેના કારણે પેદા થયેલી ગરમીથી દુકાનોના પતરાના શેડનું મજબૂત લોખંડનું સ્ટ્રક્ચર પણ ઓગળી ગયું હતું અને નમી પડ્યું હતું. માળખું નમી પડતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

TVS EV શો-રૂમમાંથી શરૂ થઈ આગ

પ્રાથમિક માહિતી મુજબ, અડાજણ ચાર રસ્તા પાસે આવેલા TVS EV શો-રૂમમાં કોઈ કારણસર આગ લાગી હતી. શો-રૂમમાં રહેલી ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ અને અન્ય સ્પેર પાર્ટ્સને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

આગ બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને એક જાણીતી રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી.

આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. શો-રૂમમાં રહેલા અનેક વાહનો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.

અનેક ફાયર સ્ટેશનોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ જણાવ્યું હતું કે દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

અધિકારીઓ પહોંચે તે પહેલાં આગ નજીકની અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે.

મોટી જાનહાનિ ટળી

વ્યસ્ત બજાર અને હોસ્પિટલ નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, શો-રૂમ, ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગની સમયસર કામગીરી અને ઝડપી બચાવ અભિયાનને કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande