
સુરત, 18 જૂન (હિ.સ.) ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા માન્યતા પ્રાપ્ત NBFC-MFI માટે રાષ્ટ્રીય સ્તરના સ્વ-નિયમનકારી સંગઠન ‘માઈક્રોફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક (MFIN)’ દ્વારા સુરતના લક્ષ્મીબાઈ કોમ્યુનિટી હોલમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
બંધન બેંક, બેલસ્ટાર માઈક્રોફાઈનાન્સ, ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક, HDFC બેંક અને L&T ફાઈનાન્સના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જી.એ.સરવૈયા (ACP, ઈકોનોમિક ઓફેન્સ વિંગ, સુરત પોલીસ), દિનેશ આર. (લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, બેંક ઓફ બરોડા, સુરત), રૂપેશ આર.પનિકર (DDM - AGM, નાબાર્ડ, સુરત), પશુ અતકાલીકર (ડાયરેક્ટર, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, બેંક ઓફ બરોડા, સુરત) અને દેવેન્દ્ર શહાપુરકર (પ્રાદેશિક પ્રમુખ - મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા, MFIN)એ ગ્રાહકોને નાણાકીય વિગતો ગુપ્ત રાખવા, ડિજિટલ ફ્રોડથી બચવા અને લોન માફીની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તેમજ બચત યોજનામાં રોકાણ, ધિરાણ લેવું અને ચૂકવણી, સરકારી વિમા યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ઈકોનોમિક ઓફેન્સ વિંગના ACP જી.એ.સરવૈયાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી લોકોએ જાગૃત થવાની તાતી જરૂર છે. તેમણે ગ્રાહકોને મોબાઈલ ફોનના દુરુપયોગ પ્રત્યે ચેતવ્યા હતા અને KYC જેવી ગુપ્ત વિગતો કોઈની સાથે શેર ન કરવા સલાહ આપી હતી. જો કોઈ છેતરપિંડી થાય, તો તુરંત કાયદાકીય એજન્સીના હેલ્પલાઈન નંબર 1930 પર અથવા MFIN ના ટોલ-ફ્રી નંબર 18001021080 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (BOB) દિનેશ આર. એ જણાવ્યું કે માઈક્રોફાઈનાન્સ એ રાષ્ટ્રીય એજન્ડાનો એક ભાગ છે. શરૂઆતમાં બેંકો માટે અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ હતું, ત્યારે MFI સંસ્થાઓએ ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે સંસ્થાઓને લોન વિતરણમાં બિનજરૂરી આક્રમકતા ન રાખવા પણ ટકોર કરી હતી.
નાબાર્ડના ડીડીએમ રૂપેશ આર. પનિકરે ગ્રાહકોને બજેટ અને ખર્ચનું યોગ્ય આયોજન કરવા તેમજ પોતાની જરૂરિયાત અને ચૂકવણીની ક્ષમતા મુજબ જ લોન લેવા ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે, RBI માન્ય MFI સંસ્થાઓ નિયમોનું ચુસ્ત પાલન કરે છે. ગ્રાહકોએ 'લોન માફી' જેવી ભ્રામક અફવાઓ કે પ્રચારોથી ગેરમાર્ગે દોરવાવું જોઈએ નહીં, કારણ કે લોન ન ભરવાથી ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે અને ભવિષ્યમાં બેંકો કે અન્ય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે ગ્રાહક અયોગ્ય બની જાય છે.
રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પશુ અતકાલીકરે આ કાર્યક્રમ સમાજના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના લોકોને નાણાકીય સેવાઓ, બચત યોજનાઓ, રોકાણ, વીમો અને છેતરપિંડીથી બચવા વિશે માહિતગાર કરવાનો ઉમદા પ્રયાસ છે એમ જણાવી MFIN ને બ્લોક (તાલુકા) સ્તરે પણ આવા વધુ કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું.
MFIN ના પ્રતિનિધિ દેવેન્દ્ર શહાપુરકરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સુરતના વિવિધ વિસ્તારોમાં અનધિકૃત અને અસામાજિક તત્વો દ્વારા લોન માફી અંગે ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી ગ્રાહકોને બચાવવા માટે MFIN ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજશે એમ જણાવી શિબિરના આયોજનમાં સહયોગ બદલ જિલ્લા વહીવટીતંત્રનો અભાર વ્યકત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે