

પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લા મુખ્ય મથકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના નેજા હેઠળ શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર કચેરી નજીક આવેલા સિંધવાઈ માતાજી મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં TET પરીક્ષા સહિત શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી.
પાટણ અને આસપાસના વિસ્તારોમાંથી 700થી વધુ શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે તમામ શિક્ષકોએ એકસૂર થઈ પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષકો દ્વારા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષ મહાદેવભાઈ એન. દેસાઈ, મહામંત્રી મહેશભાઈ કે. પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ