
ભાવનગર,18 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા વિરલભાઈ જયેશભાઈ મોદી છેલ્લા 20 વર્ષથી અથાણાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોતાની મહેનત, ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસના આધારે તેમણે નાનકડા ઘરગથ્થુ વ્યવસાયને આજે સફળ ઉદ્યોગમાં પરિવર્તિત કર્યો છે. શરૂઆતમાં તેઓ માત્ર બે પ્રકારના અથાણા તૈયાર કરતા હતા, પરંતુ સમય જતાં ગ્રાહકોની વધતી માંગ અને સકારાત્મક પ્રતિસાદને કારણે આજે તેઓ 20 થી 25 જેટલા વિવિધ પ્રકારના અથાણા બનાવી રહ્યા છે.શરૂઆતમાં તેઓ પોતાના ઘરે અથાણા તૈયાર કરીને તેનું વેચાણ કરતા હતા. ગ્રાહકોને તેમના અથાણાનો સ્વાદ અને ગુણવત્તા પસંદ આવતા વેચાણમાં સતત વધારો થતો ગયો. પરિણામે આજે તેમણે મહુવામાં પોતાની દુકાન શરૂ કરી છે.
ગ્રાહકોની જરૂરિયાત અને પસંદગી મુજબ ખાસ ઓર્ડર પર પણ અથાણા તૈયાર કરવામાં આવે છે.આ વ્યવસાયમાં વિરલભાઈના પત્ની પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. પરિવારના સહયોગ સાથે તેઓ વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. ઉપરાંત અથાણાની સિઝન દરમિયાન તેઓ ચારથી પાંચ સ્થાનિક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે, જેના કારણે મહિલાઓને આવકનું એક વધારાનું સાધન મળી રહ્યું છે.સીઝન દરમિયાન દર મહિને અંદાજે 1000 થી 1200 કિલો જેટલા અથાણાનું વેચાણ થાય છે. સિઝન દરમિયાન 2 લાખ થી લઈને 2,50,000 રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે.
આ અંગે વિરલભાઈ જયેશભાઈ મોદીએ જણાવ્યું કે હું આ વ્યવસાયના છેલ્લા 20 વર્ષથી સંકળાયેલું છે શરૂઆતમાં અમે બે જેટલા અથાણા તૈયાર કરતા હતા પરંતુ ધીરે ધીરે લોકો ખરીદી કરતા ગયા અને લોકોને અમારા અથાણા પસંદ આવતા આજે અમે 20 થી 25 પ્રકારના અથાણાઓ તૈયાર કરી રહ્યા છીએ. તમામ અથાણા અમે ઘરે તૈયાર કરીએ છીએ શરૂઆતમાં ઘરેથી વેચાણ કરતા હતા પરંતુ આજે અમે પોતાની દુકાન મહુવામાં ચલાવી રહ્યા છીએ. ગ્રાહકોની જરૂરિયાત મુજબના અથાણ આવો અમે તૈયાર કરતા હોઈએ છીએ.
આ વ્યવસાયમાં મારા પત્ની પણ મને મદદરૂપ બની રહ્યા છે સાથે અમે સિઝન દરમિયાન અન્ય ચાર પાંચ મહિલાઓને પણ રોજગારી આપીએ છીએ અને તેઓ અમને આ અથાના તૈયાર કરવામાં મદદરૂપ બને છે.સીઝનમાં તો લગભગ અમારે 1000 થી 1200 કિલો જેવું સેલિંગ થાય છે. અમે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત, બરોડા, વાપી, વલસાડ બધી જગ્યાએ ટૂંકમાં ગુજરાત ને આઉટ ઓફ સ્ટેટ બધે અમારા પાર્સલ જાય છે. અમારા અથાણા નો ભાવ 200 થી લઈને 480 રૂપિયા સુધી રહેલો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA