
ભાવનગર, 18 જૂન (હિ.સ.) : ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરી ચોરી કરાયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી તેની પાસેથી અંદાજિત રૂ. 55,000 કિંમતનું વાહન કબ્જે લીધું છે.
મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ સફેદ રંગનું સુઝુકી કંપનીનું અવેનીસ મોટરસાયકલ નંબર GJ-01-XR-4481 લઈને તળાજા-મહુવા ચોકડી વિસ્તારમાં ઉભો છે અને તેની પાસે રહેલું વાહન ચોરીથી અથવા છળકપટથી મેળવવામાં આવ્યું હોવાની શક્યતા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસે રહેલા મોટરસાયકલ અંગે જરૂરી આધાર-પુરાવા અને માલિકી સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ તે કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યો ન હતો.
આથી પોલીસે મોટરસાયકલને શંકાસ્પદ મિલ્કત તરીકે કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કબ્જે કરાયેલ વાહન તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇ-એફઆઈઆર નંબર 20260413313811 મુજબના ગુનાથી સંબંધિત છે.
આ કેસમાં પોલીસે અયુબભાઈ અબ્દુલભાઈ રોય (ઉંમર 23 વર્ષ), રહે. વન પાર્ક, પ્લોટ નંબર-86, સરતાનપર રોડ, તળાજા, જિલ્લા ભાવનગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેરોલ ફર્લો સ્કવોડની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે ચોરી કરાયેલ મોટરસાયકલ શોધી કાઢવામાં સફળતા મળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વાહન ચોરીના સમગ્ર પ્રકરણ અંગે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA