
પાલનપુર/અમદાવાદ,18 જૂન (હિ.સ.) ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં.
બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામે ગત રાત્રે એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર એક્ટિવા પર સવાર થઈને ખેતરમાં પોતાના પાક માટે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. આશરે રાત્રે 11 વાગ્યાની આસપાસ વીજળી અને વાવાઝોડાને કારણે 11 કેવી મેજરપુરા ટોપ પિન ફાયર થવાથી વીજળીનો તાર તૂટી પડ્યો હતો. તૂટેલો તાર પસાર થઈ રહેલા પિતા-પુત્ર પર પડતાં તેમને વીજ શોક લાગ્યો હતો, જેના કારણે તેમનું કરુણ અવસાન થયું.
ઘટનાની જાણ થતાં જ વડગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મામલતદાર અને તલાટી સહિતના અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પાલનપુર-અંબાજી હાઈવે પર આવેલી ધનિયાણા ચોકડી પર પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચોકડી પર પાણી ભરાવાને કારણે વાહન-વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ધનિયાણા ચોકડી પર દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી યથાવત્ છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા પાણી ભરાતા અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને આ જ હાલાકીનો સામનો કરવો પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ