
વડોદરા, 18 જૂન (હિ.સ.) : અમદાવાદ સહિત ગુજરાતમાં ચોમાસું આવે તે પહેલા જ બુધવાર રાતથી જ વરસાદનું જોરદાર આગમન થયું છે. આ સાથે જ ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ છવાશે તેમ જણાવ્યું છે. રાજ્યમાં ચોમાસું તો હજી દૂર છે પરંતુ તે પહેલાના પ્રિમોન્સૂન વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગુજરાતમાં 18મી જૂન અને 19મી જૂને ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી જોઈએ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં આજે 18 જૂને હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું.આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે.
બપોરે અચાનક વરસાદ શરૂ થતાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પહેલો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે હવે વરસાદી માહોલ સર્જાયો હતો. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
બપોરના સમયે અચાનક વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો અટવાઈ ગયા હતા. અનેક લોકો રેઇનકોટ અથવા છત્રી વિના બહાર નીકળ્યા હોવાથી તેઓને દુકાનો, બસ સ્ટેન્ડ અને અન્ય શેડ હેઠળ આશરો લેવાની ફરજ પડી હતી. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી.
વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી જવા સાથે વાતાવરણ આહલાદક બન્યું હતું. જોકે અચાનક વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે બહાર નીકળેલા લોકો અને દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ