

પોરબંદર, 19 જૂન (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કરદાતાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં વર્ષ 2026-27 માટે મિલ્કત વેરા પર 90 ટકા વ્યાજ માફી યોજના જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા અગાઉ પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે વેરા વસુલાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં પણ શહેરમાં અનેક મોટી મિલ્કતોના બાકી વેરાની વસુલાત થવાની બાકી હોવાથી કરદાતાઓને પ્રોત્સાહન મળે અને મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે હેતુથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વેરા પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકીને સફળતાપૂર્વક વેરા વસુલાત કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વધુમાં વધુ બાકી ટેક્સદારો પાસેથી વેરા વસુલાત થઈ શકે અને કરદાતાઓને રાહત મળી રહે તે માટે આ વિશેષ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત કરદાતાઓ બાકી મિલ્કત વેરાની રકમ, જેમાં હાઉસ ટેક્સ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો, ગટર વેરો સહિતના તમામ ભરવાપાત્ર કરવેરાની રકમ એકમુષ્ટ (One Time Settlement) કેસલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરશે તો તેમને વ્યાજમાં 90 ટકા સુધીની માફીનો લાભ આપવામાં આવશે. આ યોજના જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 30-09-2026સુધી અમલમાં રહેશે.
યોજનાની શરતો અનુસાર વર્ષ 2026-27 સુધીની બાકી રકમ સંપૂર્ણપણે કેસલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરનાર કરદાતાઓને જ લાભ મળશે. વ્યાજ માફીનો લાભ માત્ર જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી તા. 30-09-2026 સુધી વેરો ભરનાર કરદાતાઓને જ મળવાપાત્ર રહેશે. ઉપરાંત નોટિસ ફી, વોરંટ ફી, વ્યાજ અને પેનલ્ટી જેવી વસુલાતમાં પણ રાહત આપવામાં આવશે.
જોકે વર્ષ 2026-27 માટેના નવા વ્યાજમાં કોઈ માફી આપવામાં આવશે નહીં. મહાનગરપાલિકાને આશા છે કે આ યોજનાથી વધુમાં વધુ કરદાતાઓ બાકી વેરાની રકમ ભરવા માટે પ્રોત્સાહિત થશે અને શહેરના વિકાસ કાર્યો માટે જરૂરી આવકમાં વધારો થશે. જનરલ બોર્ડ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી આ અંગેની તમામ આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અધિકૃત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya