ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
- દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં - આરોગ્ય મંત્રીની સૂચનાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સતત એન્ટી-રેગિંગ કમિટીની મેરેથોન બેઠક પૂર્ણ- દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ ગાંધીનગર, 19 જૂન (હિ.સ
મંત્રી પ્રફુલ પાનશેરિયા


- દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં

- આરોગ્ય મંત્રીની સૂચનાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સતત એન્ટી-રેગિંગ કમિટીની મેરેથોન બેઠક પૂર્ણ- દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ

ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં નોંધાયેલા રેગિંગના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી કોલેજની એન્ટી-રેગિંગ કમિટીની બેઠક તારીખ 18 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે શરૂ થઈ હતી, જે તારીખ 19 જૂન, 2026ના રોજ વહેલી સવારે એટલે કે રાત્રે 2:00 વાગ્યે પૂર્ણ થઈ હતી.

આ બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ ઉપરાંત સંબંધિત ફેકલ્ટી સભ્યો તથા સપોર્ટ સ્ટાફને બોલાવી તેમના લેખિત નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે સાથે ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાઓની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અનુસાર એન્ટી-રેગિંગ કમિટીએ તમામ હકીકતો, પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

સમગ્ર ઘટનામાં દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. તેઓએ તારીખ 19 જૂનની સાંજ સુધીમાં પોતાના રૂમ ખાલી કરી કોલેજ તંત્રને જાણ કરવાની રહેશે.

જે અંતર્ગત 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવેલ છે. 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવેલ છે. 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવેલ છે. સજાના સમયગાળા દરમિયાન સંબંધિત વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવા કૃત્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે ગાંધીનગર આરોગ્ય વિભાગ, નિયામક તથા ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ સતત સંકલન સાથે રાતના 2 વાગ્યા સુધી કામગીરી કરી હતી. ફરિયાદની નિષ્પક્ષ તપાસ, પુરાવાઓનું મૂલ્યાંકન અને જવાબદારો સામે સમયબદ્ધ કાર્યવાહી કરીને પીડિત વિદ્યાર્થીઓને ઝડપથી ન્યાય અપાવવાના પ્રયાસોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આરોગ્ય વિભાગના અધિકારીઓ, અધિક નિયામક, કોલેજ તંત્ર અને એન્ટી-રેગિંગ કમિટીના સભ્યોની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ દીકરા-દીકરીઓને નિવેદન આપતા જણાવ્યું છે કે જો કોઈ વિદ્યાર્થીને રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારના અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો તે નિર્ભયતાપૂર્વક પોતાની કોલેજની એન્ટી-રેગિંગ કમિટી, કોલેજ તંત્ર અથવા સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક જાણ કરે. કોઈપણ વિદ્યાર્થીએ આવા દબાણ કે અમાનવીય કૃત્યને સહન કરવું નહીં. એન્ટી-રેગિંગ કમિટી અને આરોગ્ય વિભાગ દરેક વિદ્યાર્થીની સુરક્ષા અને ન્યાય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને મળેલી દરેક ફરિયાદ પર તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande