
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). ભૂતપૂર્વ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી તથા કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, 'ગ્રેટ નિકોબાર દ્વીપ વિકાસ પરિયોજના' અંગે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવને ફરી એકવાર પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે પરિયોજનાની પર્યાવરણીય મંજૂરી અને તેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓમાં પારદર્શિતાના અભાવ અંગે ભૂપેન્દ્ર યાદવ દ્વારા ગત 13 જૂને મોકલવામાં આવેલા જવાબને સંપૂર્ણપણે નિરાશાજનક અને અસંતોષકારક ગણાવ્યો છે.
જયરામ રમેશે શુક્રવારે પત્રમાં જણાવ્યું કે, ગ્રેટ નિકોબાર પરિયોજનાના વિવિધ પાસાઓનું પર્યાવરણ પ્રભાવ આકલન સંપૂર્ણપણે અપૂરતું છે. આ સ્વયં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા નિર્ધારિત માર્ગદર્શક સિદ્ધાંતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. કેન્દ્રીય મંત્રી પાસે તેમના દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલા તકનીકી, કાનૂની અને વૈજ્ઞાનિક પ્રશ્નોનો કોઈ નક્કર અથવા સંતોષકારક જવાબ નથી. સરકાર ફક્ત પોતાની જૂની વાતોનું પુનરાવર્તન કરીને મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, નિયમો અનુસાર પરિયોજનાનો છ માસિક અનુપાલન અહેવાલ ફરજિયાતપણે સાર્વજનિક થવો જોઈએ, પરંતુ માર્ચ 2024 પછી આવો કોઈ અહેવાલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. એટલું જ નહીં, પરિયોજના મોનિટરિંગ સમિતિની બેઠકોની કાર્યનોંધ (મિનિટ્સ) પણ બેઠક પૂર્ણ થયાના ઘણા મહિનાઓ પછી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી રહી છે, જેનાથી આ સમગ્ર પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થાય છે.
રમેશે જણાવ્યું કે, 11 નવેમ્બર 2022 ના રોજ જારી કરાયેલી પર્યાવરણીય મંજૂરી હેઠળ 15 દિવસની અંદર વિવિધ સંરક્ષણ અને શમન યોજનાઓ જમા કરાવવાની હતી. ભારતીય વન્યજીવ સંસ્થા (ડબ્લ્યુઆઈઆઈ), ભારતીય પ્રાણી સર્વેક્ષણ (ઝેડએસઆઈ), ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ (બીએસઆઈ) અને અંદમાન-નિકોબાર વન વિભાગ જેવી દેશની ટોચની સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલી આ મહત્વપૂર્ણ યોજનાઓ આજ સુધી સાર્વજનિક પ્લેટફોર્મ પર સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
તેમણે સવાલ કર્યો કે, પર્યાવરણ મૂલ્યાંકન સમિતિના સૂચનો પછી કેટલીક સંસ્થાઓ પાસેથી આ યોજનાઓના સુધારેલા પ્રસ્તાવો મંગાવવામાં આવ્યા હતા. આ અત્યંત વિચિત્ર અને શંકાસ્પદ છે કે આ યોજનાઓ સંબંધિત સમિતિ દ્વારા મૂલ્યાંકન કરાયા પછી સુપરત કરવામાં આવી, જેનાથી તેમની પર્યાપ્તતા, પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પર ગંભીર શંકા ઊભી થાય છે. આ સાથે, વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કરાયેલા ઓછામાં ઓછા 12 અભ્યાસો પર આધારિત અદ્યતન પર્યાવરણ વ્યવસ્થાપન યોજનાને પણ જનતાથી સંપૂર્ણપણે છુપાવી રાખવામાં આવી છે.
રમેશે આરોપ લગાવ્યો કે, પરિયોજના સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ અને મૂળભૂત અભ્યાસો હજુ પણ બાકી છે, જે સ્પષ્ટપણે સાબિત કરે છે કે આ પરિયોજનાને પર્યાવરણીય મંજૂરી ખૂબ જ ઉતાવળમાં, અપરિપક્વ અને રાજકીય દબાણ હેઠળ આપવામાં આવી છે. તેમણે વૈજ્ઞાનિક તર્કોનો હવાલો આપતા કહ્યું કે, પરિયોજના ક્ષેત્રમાંથી પરવાળાના ખડકોને મોટા પાયે બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવા જેવી શમન યોજનાઓ સંપૂર્ણપણે અવાસ્તવિક અને જમીન પર લગભગ અશક્ય છે.
કોંગ્રેસ નેતા રમેશે કહ્યું કે, તેમણે અગાઉ પણ રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) દ્વારા ગઠિત ઉચ્ચ સત્તા પ્રાપ્ત સમિતિના અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી, પરંતુ સરકાર તેને પણ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ જે પણ અહેવાલો, યોજનાઓ કે અભ્યાસોને સાર્વજનિક કરવાની માંગ કરી રહ્યા છે, તેનાથી પરિયોજનાના કહેવાતા 'વ્યૂહાત્મક અથવા સુરક્ષા ઉદ્દેશ્યો'ને કોઈ ખતરો નથી. વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને હવે આ પરિયોજનાની ખામીઓને છુપાવવા અને તેને યોગ્ય ઠેરવવા માટે એક બહાનું બનાવી લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રમેશ આ પહેલા પણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને 2 પત્રો લખી ચૂક્યા છે, જેનો જવાબ પણ તેમણે આપ્યો છે. સૌથી પહેલા 10 મે ના રોજ જયરામ રમેશે મંત્રાલયના વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ) પર પરિયોજનાની પર્યાવરણ મંજૂરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તેને 'વિજ્ઞાનનું અપમાન' અને 'પર્યાવરણ પ્રભાવ આકલન પ્રક્રિયાની મજાક' ગણાવતા કહ્યું હતું કે, નિયમો હેઠળ જરૂરી ત્રણ ઋતુઓના પ્રાથમિક ડેટા વિના જ આ પરિયોજનાને મંજૂરી આપી દેવામાં આવી. તેના જવાબમાં 27 મે ના રોજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જયરામ રમેશના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે, સ્થળ પરથી એકત્ર કરાયેલો પ્રાથમિક ડેટા ફક્ત 'એક ઋતુ'નો છે, પરંતુ તેમણે દલીલ કરી કે તેને ઇસરો, ભારતીય પ્રાણી સર્વેક્ષણ અને ભારતીય વનસ્પતિ સર્વેક્ષણ જેવી સંસ્થાઓના 17 વર્ષના ઉપગ્રહ રેકોર્ડ અને ઐતિહાસિક ડેટા (દ્વિતીયક ડેટા) સાથે જોડીને એક વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. તેમણે એનજીટી ના આદેશોનો હવાલો આપીને આ પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર ઠેરવી હતી.
આ પછી 3 જૂન ના રોજ રમેશે ભૂપેન્દ્ર યાદવના જવાબ પર પલટવાર કરતા કહ્યું હતું કે, ઐતિહાસિક રેકોર્ડ ક્યારેય સ્થળ પરથી એકત્ર કરાયેલા સીધા પ્રાથમિક ડેટાનો વિકલ્પ બની શકે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે જે સરકારી સંસ્થાઓએ મૂળ અહેવાલ બનાવ્યો, તેમની પાસેથી જ તેની સમીક્ષા કરાવવી એ પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેમણે સવાલ કર્યો હતો કે, એનજીટી ને ઓક્ટોબર 2025 માં સુપરત કરાયેલી 'ઉચ્ચ સત્તા પ્રાપ્ત સમિતિ'ના અહેવાલને 'સીલબંધ કવરમાં' રાખીને જનતાથી શા માટે છુપાવવામાં આવી રહ્યો છે?
તેમણે તેને શુદ્ધ વ્યાવસાયિક પરિયોજના ગણાવી હતી. આના પર ફરીથી 13 જૂન ના રોજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સરકારનો પક્ષ દોહરાવતા સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક કારણોસર માહિતી અધિકાર (આરટીઆઈ) અધિનિયમની કલમ 8(1)(એ) હેઠળ ઉચ્ચ સત્તા પ્રાપ્ત સમિતિની કેટલીક જાણકારીઓને સાર્વજનિક પ્લેટફોર્મથી બહાર રાખવી દેશહિતમાં અત્યંત જરૂરી છે. કાચબાઓ અને સ્થાનિક જનજાતિઓના સંરક્ષણ માટે કડક પર્યાવરણ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ