જામનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી ઉપર હુમલો
જામનગર, 19 જૂન (હિ.સ.) : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ પાસે ગુરુવારે મોડી રાત્રે પ્રેમલગ્નનો ખાર રાખી પતિ-પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બનાવમાં યુવકને માથામાં છરીના ઘા સહિત ગંભીર ઇજાઓ કરી હત્યાનો પ્
હુમલો


જામનગર, 19 જૂન (હિ.સ.) : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ પાસે ગુરુવારે મોડી રાત્રે પ્રેમલગ્નનો ખાર રાખી પતિ-પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બનાવમાં યુવકને માથામાં છરીના ઘા સહિત ગંભીર ઇજાઓ કરી હત્યાનો પ્રયાસ કરતા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, શહેરના મોરકંડા રોડ સ્થિત અનમોલ પાર્ક શેરી નં.3માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અવેશ દાઉદભાઈ નોતીયારે હુમલા મામલે આરોપી અલ્ફાઝ યુસુફભાઇ માડકીયા, ફેઝાન રફીકભાઇ માડકીયા અને હમજા યુસુફભાઇ માડકીયા, રૂબીના રફીકભાઇ માડકીયા (રહે. બધા જામનગર) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે, ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે 1 એપ્રિલ, 2026ના રોજ મુસ્કાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જે યુવતીના સાસરીયા પક્ષને પસંદ ન હોવાથી તેઓ ખાર રાખતા હતા.

આ દરમિયાન તા. 18 જૂનની રાત્રે કાલાવડ નાકા બહાર લાખા ગેરેજ પાસે અલ્ફાઝ ફયુસુફભાઈ માડકીયા, ફેઝાન રફીકભાઈ માડકીયા, હમજા યુસુફભાઈ માડકીયા અને રૂબીના રફીકભાઈ માડકીયાએ એકસંપ થઈ અવેશ તથા તેમની પત્ની મુસ્કાનને ગાળો આપી હુમલો કર્યો હતો. ફેઝાન માડકીયાએ અવેશના માથાના ભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ ઇજા પહોંચાડી હતી.

જ્યારે અલ્ફાઝ અને હમજાએ લાકડાના ધોકાથી તેમજ રૂબીનાએ લોખંડના પાઇપ વડે માર મારતાં અવેશના જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા સહિત અન્ય ઇજાઓ થઈ હતી. દરમિયાન મુસ્કાનને પણ છરીના ઘા તેમજ ધોકા અને પાઇપના મારથી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલા દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

આ બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 109(1), 118(1), 117(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande