
દમણ,19 જૂન (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કાર્યાલયની SIR અને SVEEP ટીમ દ્વારા દમણ ખાતે ઓડિશા મિત્ર મંડળ અને ખોજા સમાજ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઓડિશા મિત્ર મંડળના અધ્યક્ષ નયન પાધ્ય, ખોજા સમાજના અધ્યક્ષ ઝબીન રમઝાનઅલી તેમજ તમન્ના મિઠાણી સહિત સમાજના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.SVEEP ટીમ દ્વારા ઉપસ્થિત નાગરિકોને માહિતી આપવામાં આવી હતી કે 4 જૂન 2026 થી 3 જુલાઈ 2026 દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘર-ઘર જઈ મતદારોની વિગતોનું ચકાસણી કાર્ય હાથ ધરવામાં આવશે. ઉપરાંત નવા મતદારોનું નોંધણીકરણ, નામ અને સરનામામાં સુધારા, મતવિસ્તાર પરિવર્તન તેમજ EPIC સંબંધિત પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચૂંટણી વિભાગે તમામ નાગરિકોને BLO દ્વારા કરવામાં આવતી ચકાસણી પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવા અને મતદાર યાદીમાં પોતાનું નામ અવશ્ય તપાસવા અપીલ કરી હતી. જો કોઈ પાત્ર મતદારનું નામ યાદીમાં નોંધાયેલું ન હોય તો જરૂરી દસ્તાવેજો સાથે BLO અથવા ચૂંટણી કાર્યાલય, દમણનો સંપર્ક કરવા જણાવાયું હતું.મતદારોની સુવિધા માટે દર રવિવારે “બૂથ ડે” તરીકે ઉજવવામાં આવશે. ઉપરાંત કલેક્ટર કચેરી, મોટી દમણ ખાતે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ચૂંટણી વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વિશેષ ગહન પુનરીક્ષણ અભિયાનમાં દરેક પાત્ર મતદારની નોંધણી સુનિશ્ચિત થશે અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે નાગરિકો સક્રિય ભાગીદારી નોંધાવશે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha