
પોરબંદર, 19 જૂન (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે 21 મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ પોરબંદર જિલ્લામાં વ્યાપક સ્તરે યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ પોરબંદર ચોપાટી ખાતે હુઝુર પેલેસની પાછળ યોજાશે.
આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકા, રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકા તેમજ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ જુદા-જુદા સ્થળોએ યોગના વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જિલ્લાની શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓમાં પણ આ દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને આ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અને કાર્યક્રમને સફળ બનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકો યોગના માધ્યમથી પોતાના તેમજ પોતાના પરિવારના તન અને મનની તંદુરસ્તી વધારે તે સમયની માંગ છે. પોરબંદર શહેરમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે તેમણે શહેરના તમામ નાગરિકોને હાર્દિક અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya