


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ચાલી રહેલા નશામુક્ત ભારત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં નશાબંધી પ્રચાર અને સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી કચેરી, એસ.ઓ.જી. ટીમ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કેમિકલ્સ ડિવિઝન ઓફ નિર્મા લિમિટેડના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ટી એન્ડ ડી અધિકારી ચિંતનભાઈ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી.ત્યારબાદ ફેક્ટરી મેનેજર પ્રકાશભાઈ પટેલ અને વાઈસ પ્રેસિડેન્ટ આદ્રોજા સાહેબે કાર્યક્રમના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી સાહેબે ઉપસ્થિત નાગરિકોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઓનલાઈન છેતરપિંડી, ઓટીપી શેર ન કરવો, શંકાસ્પદ લિંકથી સાવચેત રહેવું તેમજ સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
એસ.ઓ.જી. પોરબંદરના પીઆઈ એમ.એન. જાડેજાએ નશાના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે એસ.ઓ.જી.ના એએસઆઈ ખાનભાઈએ હાલના સમયમાં પ્રચલિત વિવિધ પ્રકારના નશા અંગે પ્રેઝન્ટેશન મારફતે માહિતી આપી હતી. નશાબંધી અને આબકારી વિભાગના સબ ઈન્સ્પેક્ટર બી.એમ. સોલંકીએ નશાના વ્યસનથી વ્યક્તિ, પરિવાર અને સમાજને થતી હાનિ અંગે સમજણ આપી હતી. સાથે જ નશામુક્ત સમાજ, નશામુક્ત ગામ અને નશામુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પોરબંદર એસ.ઓ.જી., સાયબર ક્રાઈમ પોલીસ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, નિર્મા કંપનીના પ્રતિનિધિઓ તેમજ બિરલા કોલોનીના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya