છોટાઉદેપુરના કદવાલ પોલીસે વિદેશી દારૂ તેમજ કાર ઝડપી પાડી, ચાલક ફરાર
છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક સફેદ કલરની કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસને જોઈને કારનો ચાલક જંગલના રસ્તે નાસી
દારૂ


દારૂ


છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક સફેદ કલરની કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસને જોઈને કારનો ચાલક જંગલના રસ્તે નાસી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૭,૬૧,૩૧૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કદવાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કદવાલ બસ સ્ટેન્ડ પાસે પોલીસને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ રંગની ગાડી માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને વડલી ગામના ડુંગરાળ રસ્તે થઈ પોયલી ગામ તરફ પસાર થવાની છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને સાથે રાખી વડલી ગામથી પોયલી ગામ તરફ જતા ડુંગરાળ રસ્તા પર બંને સાઈડ વોચ અને નાકાબંધી ગોઠવી દીધી હતી. વોચ દરમિયાન બાતમીવાળી કાર આવતી જણાતા પોલીસે તેને અટકાવવા માટે આડસ ઉભી કરી હાથથી ઈશારો કર્યો હતો. પરંતુ, કારનો ચાલક દૂરથી જ પોલીસની ગાડી જોઈ જતાં, પોતાની ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને જંગલના રસ્તે નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ ડુંગરાળ અને જંગલ વિસ્તાર હોવાના કારણે તે ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ખાખી કલરના પૂંઠાની પેટીઓમાં ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વિદેશી દારૂની કુલ બોટલ ૯૭૦ નંગ કિંમત રૂ. ૨,૬૧,૩૧૦/- તેમજ કારની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭,૬૧,૩૧૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે દારૂના સેમ્પલ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને નાસી ગયેલા અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande