
- 2025-26માં ₹43.07 કરોડના રેકોર્ડ વેચાણ સાથે સર્જાયો ઇતિહાસ
- ગુજરાતના સમૃદ્ધ હાથશાળ-હસ્તકલા વારસાને મળી નવી ઉંચાઈ
- કારીગરોને વૈશ્વિક બજાર સાથે જોડી રહ્યું છે ‘ગરવી ગુર્જરી’ મંચ
ગાંધીનગર,19 જૂન (હિ.સ.) ગુજરાતના હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનો માત્ર ચીજવસ્તુઓ નથી, પણ રાજ્યની સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને કારીગરોના કૌશલ્યનું જીવંત પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુરૂપ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પરંપરાગત કલાઓને નવી ઓળખ, બહોળા બજાર અને આર્થિક શક્તિ આપવાની દિશામાં સતત કાર્યરત છે. આ પ્રયાસોમાં ગુજરાત રાજ્ય હાથશાળ તથા હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત ‘ગરવી ગુર્જરી’ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
ગરવી ગુર્જરીએ વર્ષ 2025-26 દરમિયાન તેના 53 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 43.07 કરોડનું સૌથી વધુ વેચાણ નોંધાવીને નવો ઇતિહાસ રચ્યો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોઇએ, તો કુલ 123.88 કરોડથી વધુનું વેચાણ કરીને ગરવી ગુર્જરીએ ગુજરાતના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે. તેમાં વર્ષ 2021-22માં 11.50 કરોડ, વર્ષ 2022-23માં 12.00 કરોડ, વર્ષ 2023-24માં 25.20 કરોડ, વર્ષ 2024-25માં 32.09 કરોડ અને વર્ષ 2025-26માં 43.07 કરોડનું વેચાણ શામેલ છે.
આ સિદ્ધિ દર્શાવે છે કે જો પરંપરાગત કલાને યોગ્ય દિશા, મજબૂત નીતિ અને આધુનિક બજારનો સહકાર મળે તો તે આર્થિક વિકાસનો સશક્ત આધાર બની શકે છે. આ સફળતા માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ હજારો કારીગરોના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને મહેનતની પણ સશક્ત અભિવ્યક્તિ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગરવી ગુર્જરીએ વર્ષ 2025-26 દરમિયાન તેની સાથે જોડાયેલા આશરે 8 હજાર કારીગરો પાસેથી 16.01 કરોડના ઉત્પાદનોની ખરીદી કરીને તેમને સીધું આર્થિક પીઠબળ પૂરું પાડ્યું છે.
રાજ્ય તથા રાજ્ય બહાર સંચાલિત 22 એમ્પોરિયમો દ્વારા 20.77 કરોડનું વેચાણ નોંધાયું છે, જ્યારે દેશ-વિદેશમાં યોજાયેલા વિવિધ મેળા અને પ્રદર્શનો દ્વારા 22.30 કરોડનું વેચાણ થયું છે. આ સિદ્ધિ દર્શાવે છે કે ગરવી ગુર્જરી હવે માત્ર પ્રાદેશિક બ્રાન્ડ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની કલા અને હસ્તકલાની ઓળખ બની રહી છે.
રાજ્ય સરકારે કારીગરોના સશક્તિકરણને પ્રાથમિકતા આપતા અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. કારીગરોને આધુનિક ડિઝાઇન, નવી ટેક્નોલોજી અને બજારની માંગ અનુસાર તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ માર્કેટિંગ માટે વધુ સારા પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી તેમની કલાને યોગ્ય કિંમત અને વ્યાપક ઓળખ મળી શકે. આ પ્રયાસો પરંપરાગત કલાને આધુનિક જીવનશૈલી અને વૈશ્વિક બજાર સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
ગરવી ગુર્જરીનું સૌથી મોટું યોગદાન એ છે કે તેણે પરંપરાગત કલાને માત્ર સંરક્ષિત કરવા સુધી મર્યાદિત રાખી નથી, પરંતુ તેને આધુનિક જરૂરિયાતો અને બજારની માંગ મુજબ ઢાળીને તેની ઉપયોગિતા અને માંગ બંનેમાં વધારો કર્યો છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના કારીગરોને સમાન તકો મળતાં તેમની આવકમાં વધારો થયો છે અને જીવનસ્તરમાં પણ હકારાત્મક પરિવર્તન આવ્યું છે.
વર્ષ 2026-27 માટે રાજ્ય સરકાર અને નિગમે વધુ મહત્ત્વાકાંક્ષી આયોજન હાથ ધર્યું છે. કારીગરોને અદ્યતન ટેક્નિકલ તાલીમ આપવી, નવા અને આકર્ષક ઉત્પાદનો વિકસિત કરવા, ઉત્પાદનોની વ્યાપક ખરીદી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેળાઓમાં વધુ ભાગીદારી દ્વારા નવા બજારો સુધી પહોંચ બનાવવી જેવી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવામાં આવશે. સરકારનું લક્ષ્ય કારીગરોની આવક, રોજગારી અને સામાજિક સન્માનમાં સતત વધારો કરવાનું છે.
અમદાવાદના ભરતકામ કારીગર ધર્મિષ્ઠા ચુડાસમા જણાવે છે કે તેઓ ઘણા વર્ષોથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા છે. અગાઉ તેમના ઉત્પાદનોનું વેચાણ માત્ર સ્થાનિક સ્તરે જ થતું હતું, પરંતુ ગરવી ગુર્જરી દ્વારા આયોજિત મેળા અને પ્રદર્શનોમાં ભાગ લેવાની તક મળતા તેમની કળા ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો સુધી પહોંચી છે.
તેઓ જણાવે છે કે ગરવી ગુર્જરી દ્વારા તેમના ઉત્પાદનોની ખરીદી કરીને દેશભરના એમ્પોરિયમોમાં વેચાણ કરવામાં આવે છે, જે તેમના માટે ગૌરવની વાત છે. પ્રદર્શનો દરમિયાન કળાપ્રેમી ગ્રાહકો સાથે સીધો સંપર્ક થવાથી તેમને કસ્ટમાઇઝ ઓર્ડર પણ મળવા લાગ્યા છે. તેના પરિણામે તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગરના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગરવી ગુર્જરી સતત કારીગરોના ઉત્થાન માટે કાર્યરત છે. ઉત્પાદનોની ખરીદી, માર્કેટિંગ સહાય અને પ્રતિષ્ઠિત પ્રદર્શનોમાં ભાગ લેવાની તક પૂરી પાડીને કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથે જ કૌશલ્ય વિકાસ તાલીમ અને ડિઝાઇન વિકાસ વર્કશોપ દ્વારા કારીગરોને આધુનિક બજારની માંગ મુજબ સશક્ત બનાવવામાં આવી રહ્યા છે.
ગરવી ગુર્જરી ગુજરાતના પ્રતિભાશાળી કારીગરોની આજીવિકા વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગરવી ગુર્જરી આજે માત્ર એક બ્રાન્ડ નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને કારીગરોની પ્રતિભાનું સશક્ત પ્રતીક બની ગઈ છે. સરકારની દૂરંદેશી નીતિઓ, મજબૂત નેતૃત્વ અને કારીગરોની અવિરત મહેનતના સમન્વયથી ગુજરાતે સાબિત કર્યું છે કે ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર માત્ર સૂત્ર નથી, પરંતુ વારસાના સંરક્ષણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાનું સફળ મોડેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ