ગોધરામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત,દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદ,19 જૂન (હિ.સ.) ગુજરાતે ચોમાસા માટે હજુ પાંચ-છ દિવસની રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગના સંકેત પ્રમાણે 24મી જૂન સુધી રાજ્યમાં ચોમાસું જામે તેવું લાગતું નથી. ચોમાસા માટે પવનની જે સાનુકૂળ સ્થિતિ હોવી જોઈએ તે હાલ નથી. બંગાળની ખાડીમાં અનુકૂ
Heavy rains in Godhra affect normal life


અમદાવાદ,19 જૂન (હિ.સ.) ગુજરાતે ચોમાસા માટે હજુ પાંચ-છ દિવસની રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગના સંકેત પ્રમાણે 24મી જૂન સુધી રાજ્યમાં ચોમાસું જામે તેવું લાગતું નથી. ચોમાસા માટે પવનની જે સાનુકૂળ સ્થિતિ હોવી જોઈએ તે હાલ નથી. બંગાળની ખાડીમાં અનુકૂળ પવન અને અરબ સાગરમાં સાનુકૂળ સ્થિતિનો અભાવ જોવા મળે છે. બીજી તરફ 25 જૂનથી ચોમાસું આળસ ખંખેરીને ગુજરાતમાં પધારશે તેવી આશા છે. 25 બાદ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે સાનુકૂળ સ્થિતિ ઊભી થઈ શકે છે.

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યના છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

ગોધરામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં પાણીની ભારે આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.

આ ઉપરાંત, ગોન્દ્રા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે.

મેસરી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં ગોન્દ્રા કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા. જોકે, તંત્ર દ્વારા લોકોને નદી અને કોઝવે નજીક બિનજરૂરી ભીડ ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમની રહેશે અને તીવ્ર દબાણના કારણે પવનની ગતિ 10થી 20 નોટ્સ પહોંચી શકે છે. અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એક-બે વખત વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા અને વીજળી પડવાની આશંકા છે.

આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા, અમરેલી સહિતમાં વરસાદી માહોલ છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે, 4 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને ભરૂચમાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એક-બે સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande