સિલવાસામાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પહેલ : દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં ICSI સ્ટડી સેન્ટરનું લોકાર્પણ
સિલવાસા, 19 જૂન (હિ.સ.) : શિક્ષણ અને વ્યાવસાયિક વિકાસના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ, સિલવાસામાં 17 જૂન 2026ના રોજ ICSI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) સિલવાસા સ્ટડી સેન
સિલવાસામાં ICSI સ્ટડી સેન્ટર શરૂ, વિદ્યાર્થીઓને મળશે વ્યાવસાયિક શિક્ષણની નવી તક


સિલવાસા, 19 જૂન (હિ.સ.) : શિક્ષણ અને વ્યાવસાયિક વિકાસના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ, સિલવાસામાં 17 જૂન 2026ના રોજ ICSI (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા) સિલવાસા સ્ટડી સેન્ટરના પ્રારંભ તથા એમઓયુ હસ્તાક્ષર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સીમા પિલ્લઈએ મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત આગેવાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ પહેલ વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દીના નવા દ્વાર ખોલશે.

સમારોહ દરમિયાન કોલેજ અને ICSI વચ્ચે ઔપચારિક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ફતેહસિંહજી એમ. ચૌહાણ, ICSIના સેન્ટ્રલ કાઉન્સિલ સભ્ય સીએસ રાજેશ તારપરા, સચિવ કુલદીપસિંહ મૂંદ્રા, કાર્યકારિણી સભ્ય અભિષેકસિંહજી ચૌહાણ, ડૉ. અનુકૂલ નિકમ, ડૉ. શિલ્પા તિવારી, નિરાલી પારેખ તથા ઉપપ્રાચાર્યા ડૉ. જાહ્નવી અરેકર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીએસ રાજેશ તારપરાએ વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરી વ્યવસાયના વધતા મહત્વ, કોર્પોરેટ ગવર્નન્સ, વ્યાવસાયિક નૈતિકતા અને નેતૃત્વ ક્ષમતાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કંપની સેક્રેટરી ક્ષેત્રે રોજગાર અને નેતૃત્વની વિશાળ તકો ઉપલબ્ધ થશે. ICSIના ફેલો સભ્ય અને સસ્ટેનેબિલિટી નિષ્ણાત સીએસ ડૉ. નીલાભ કૌશિકે વિદ્યાર્થીઓને કોર્પોરેટ ગવર્નન્સ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, સસ્ટેનેબિલિટી અને નવીન વ્યાવસાયિક તકો અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું કે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ચાર દાયકાથી શિક્ષણ અને સામાજિક વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. સંસ્થાએ માર્ચ 2026માં CDOE (સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓનલાઈન એજ્યુકેશન) અભ્યાસક્રમો પણ શરૂ કર્યા હતા. તાજેતરમાં સંસ્થાને પીએચ.ડી. સ્તર સુધી અભ્યાસ અને સંશોધનની માન્યતા પ્રાપ્ત થવી તેની વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

સમારોહ બાદ ધોરણ 11 અને 12 સહિત આશરે 250 વિદ્યાર્થીઓ માટે ઇન્ટરએક્ટિવ સત્ર યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કંપની સેક્રેટરી કોર્સ, પ્રવેશ પ્રક્રિયા, કારકિર્દીની તકો અને રોજગાર સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા. નિષ્ણાતોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી તેમને ભવિષ્ય માટે તૈયાર રહેવા પ્રેરિત કર્યા હતા.

આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પહેલ સિલવાસા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક શિક્ષણ, નેતૃત્વ વિકાસ અને ઉજ્જવળ કારકિર્દીની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande