
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ, વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસર પર દેશવાસીઓને સ્વસ્થ અને વધુ સમાનતાપૂર્ણ ભારતના નિર્માણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને દોહરાવવા અપીલ કરી. તેમણે આજે એક્સ પર પોસ્ટ કરીને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.
તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 7.19 કરોડથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યારે 20.26 લાખથી વધુ વાહકોની ઓળખ કરવામાં આવી છે. આ ઉપરાંત 2.46 લાખ લોકોમાં સિકલ સેલ રોગનું નિદાન કરવામાં આવ્યું છે તથા 4.82 કરોડ સિકલ સેલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપલબ્ધિઓ ખાસ કરીને આદિવાસી વસ્તી અને અન્ય નબળા સમુદાયો વચ્ચે પ્રારંભિક નિદાન, સમયસર સારવાર, આનુવંશિક પરામર્શ અને વ્યાપક સ્વાસ્થ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સિકલ સેલ રોગ પ્રત્યે જાગૃતિ વધારવા અને પ્રભાવિત લોકોને બહેતર સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે તમામ હિતધારકોને આ અભિયાનમાં સક્રિય ભાગીદારી નિભાવવા વિનંતી કરતા કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ રોગને સાર્વજનિક સ્વાસ્થ્ય પડકાર તરીકે સમાપ્ત કરવાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સૌએ મળીને કાર્ય કરવું પડશે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ