
જુનાગઢ, 19 જૂન (હિ.સ.) : કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આ યોજના હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને હજારો પરિવારોના પાકા ઘરના સપનાને હકીકતમાં બદલવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૧.૦ અંતર્ગત વર્ષ ૨૦૧૬થી માર્ચ ૨૦૨૫ સુધી બેનેફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) અને CLSS માં કુલ ૧૦૭૬૨ લાભાર્થીઓને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે. આ યોજના અંતર્ગત કુલ રૂ.૨૬૬.૫૬ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.જે DBT(Direct Benefit Transfer) ના માધ્યમથી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવી છે.
તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત માર્ચ-૨૦૨૫ થી ૦૮-જુન-૨૦૨૬ સુધી બેનેફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) અને ISS માં કુલ ૪૧૭ લાભાર્થીઓને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે. આ યોજના અંતર્ગત કુલ રૂ ૬.૮૯ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જે DBT(Direct Benefit Transfer) ના માધ્યમથી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરવામાં આવે છે.
જૂનાગઢ શહેરના ખલીલપુર વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા દેવાભાઈ મેંણંદભાઇ કામરિયા માટે આ યોજના તેમના જીવનમાં ખુશીઓનો નવો ઉજાસ લઈને આવી છે.
દેવાભાઈની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હતી. તેઓ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને તેમના પત્ની પણ મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ લાંબા સમયથી પોતાનું પાકું મકાન બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, પરંતુ મર્યાદિત આવકને કારણે આ સપનું પૂરું કરવું અશક્ય લાગતું હતું.
આ દરમિયાન, તેમના મિત્રો દ્વારા તેમને જાણકારી મળી કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. દેવાભાઈએ આ યોજના અંતર્ગત અરજી કરી અને થોડા સમયમાં જ તેમની અરજી મંજૂર થઈ ગઈ.
આ યોજના હેઠળ તેમને ૪ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થઈ હતી. મકાનનું બાંધકામ શરૂ કર્યા બાદ, સરકાર દ્વારા તબક્કાવાર હપ્તા સ્વરૂપે સહાયની રકમ મળતી ગઈ, જેના કારણે મકાનનું કામ કોઈપણ અડચણ વગર પૂર્ણ થયું.
આજે દેવાભાઈ અને તેમનો પરિવાર પોતાના નવા અને પાકા મકાનમાં ખૂબ જ શાંતિ અને આનંદથી રહી રહ્યા છે. પોતાનું ઘરનું ઘર મળતા દેવાભાઈએ હર્ષની લાગણી સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતી યોજના તરીકે ઉભરી આવી છે. “સૌને ઘર”નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આ યોજના મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ