
દમણ, 19 જૂન (હિ.સ.) કચ્છીગામ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ ફાલ્ગુની પટેલના નેતૃત્વ હેઠળ કચ્છીગામના માંગેલવાડ વિસ્તારમાં રહેતી યુવા મહિલા ક્રિકેટર કુમારી ઈશિકા કિરણભાઈ માંગેલાનું તેમના ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયત દ્વારા ઈશિકાને ક્રિકેટ કિટ ભેટ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.માત્ર 14 વર્ષની ઉંમરે ઈશિકા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ મહિલા ક્રિકેટ સ્પર્ધાઓમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કચ્છીગામ, દમણ અને સમગ્ર પ્રદેશનું નામ રોશન કરી રહી છે. તેમની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની નિષ્ઠા આજની યુવા પેઢી, ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની છે.આ પ્રસંગે સરપંચ ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, “આજે અમારી દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરચો આપી રહી છે. ઈશિકા માંગેલાએ પોતાની મહેનત અને લગનથી સાબિત કર્યું છે કે યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો દીકરીઓ દેશનું ગૌરવ વધારી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘બેટી બચાવો, બેટી વાંચાવો’ અભિયાન અને મહિલા સશક્તિકરણના સંકલ્પથી દેશભરની દીકરીઓને નવી ઓળખ અને તકો મળી રહી છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ રમતગમત, શિક્ષણ અને મહિલા વિકાસને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે.”તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છીગામ ગ્રામ પંચાયત ગામની પ્રતિભાશાળી યુવા શક્તિને પ્રોત્સાહન આપતી રહેશે અને ઈશિકા ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને પ્રદેશનું નામ વધુ ગૌરવશાળી બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.સન્માન સમારોહ દરમિયાન ગ્રામ પંચાયતના આગેવાનો અને સ્થાનિક ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા હતા. સૌએ ઈશિકાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha