

કચ્છ, 19 જૂન (હિ.સ.) : અંજાર શહેરમાં આગામી મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી આજે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ વિવિધ સમાજોના આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પૂર્વ કચ્છના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોહરમ દરમિયાન આયોજન થનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, તાજિયા સરઘસ તેમજ કાયદો અને વ્યવસ્થાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુએ મોહરમ પર્વના ધાર્મિક અને માનવતાવાદી મહત્વ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કરબલાના શહીદોની યાદમાં ઉજવાતો મોહરમ માત્ર એક સમુદાયનો તહેવાર નથી, પરંતુ માનવતા, ત્યાગ, સત્ય અને ન્યાય માટેના સંઘર્ષનું પ્રતિક છે. આ તહેવાર સમગ્ર સમાજને એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મોહરમ પર્વ દરમિયાન તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સહકારથી યોજવામાં આવશે. મોહરમના અંતિમ દિવસે 26 જૂન, 2026ના રોજ સર્વધર્મ સમભાવના સંદેશ સાથે “માનસ મોહબ્બત મજલીસ”નું વિશેષ આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ સમાજોના લોકો ભાગ લેશે અને સામાજિક એકતાનો સંદેશ આપશે.
બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયાના પરંપરાગત અને નિર્ધારિત રૂટ પર સરઘસ કાઢવામાં આવશે. સરઘસ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અગાઉથી કરવામાં આવશે.
અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે, તાજિયા રૂટ પર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવશે. ઉપરાંત વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે વીજ વિભાગના કર્મચારીઓ પણ તૈનાત રહેશે.
પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સરઘસના માર્ગોની સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. અંજાર પોલીસ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે.
આજની બેઠકના અંતે ઉપસ્થિત તમામ સમાજોના આગેવાનો અને અધિકારીઓએ શહેરવાસીઓને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે મોહરમ પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અંજાર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહરમ પર્વને સફળ અને શાંતિપૂર્ણ બનાવવા માટે સૌએ સંયુક્ત રીતે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar