ભુજમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની ત્વરિત કાર્યવાહી: ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, વધુ બે સપ્લાયરોની સંડોવણી બહાર આવી
કચ્છ, 19 જૂન (હિ.સ.) ભુજ શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન ઝીરો ટોલરેન્સ અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે
NDPS કેસમાં ઝડપાયેલ આરોપી


કચ્છ, 19 જૂન (હિ.સ.) ભુજ શહેરમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન ઝીરો ટોલરેન્સ અંતર્ગત વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન માદક પદાર્થના સપ્લાય સાથે સંકળાયેલા અન્ય બે વ્યક્તિઓના નામ પણ સામે આવતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

રાજ્યભરમાં ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિકારીઓને માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તે મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમી મુજબ રામકૃષ્ણ કોલોની વિસ્તારમાં રહેતો પ્રકાશ ઉર્ફે સુનીલ કાળુજી ઠાકોર પોતાના કબ્જામાં ગાંજાનો જથ્થો રાખી મોટરસાયકલ મારફતે વેચાણ માટે હેરાફેરી કરતો હતો. બાતમીના આધારે પોલીસની ટીમે વિસ્તાર પર નજર રાખી અને શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીના કબ્જામાંથી અંદાજે 102 ગ્રામ ગાંજો, એક મોબાઇલ ફોન તેમજ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી કુલ રૂ. 50,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કેટલાક મહત્વના ખુલાસા કર્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે નાગેન્દ્ર ઉર્ફે જોની રાઠોડ અને નવાબ મેર નામના બે વ્યક્તિઓની સંડોવણી પણ બહાર આવી છે.

આ સમગ્ર કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમે ઝડપી અને સુનિયોજિત કામગીરી કરીને આરોપીને કાયદાના હવાલે કર્યો છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરની આ સફળ કામગીરીને કારણે માદક પદાર્થોના ગેરકાયદે ધંધામાં સંકળાયેલા તત્વોમાં ચિંતા ફેલાઈ છે અને પોલીસે આવા ગુનાઓ સામે ભવિષ્યમાં પણ ઝીરો ટોલરેન્સની નીતિ યથાવત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande