


કચ્છ, 19 જૂન (હિ.સ.) : લખપત તાલુકામાં સરકારી જમીન પરનો ગેરકાયદેસર કબજો હટાવાયો, લાખોની કિંમતની જમીન કરાઈ દબાણમુક્ત.કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાનના ભાગરૂપે આજે શુક્રવારના રોજ લખપત તાલુકાના પાન્ધ્રો ગામ ખાતે રાજસ્વ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમે સફળ કામગીરી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી નખત્રાણાની દેખરેખ હેઠળ મામલતદાર લખપત તથા તેમની ટીમે નારાયણસરોવર પોલીસ સ્ટેશનના સહયોગથી દબાણ હટાવવાની વિશેષ ઝુંબેશ ચલાવી હતી.
અભિયાન દરમિયાન પાન્ધ્રો ગામ વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા, ત્રણ અલગ-અલગ અનધિકૃત કોમર્શિયલ બાંધકામોની ઓળખ કરવામાં આવી હતી. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આજની આ કામગીરીના પરિણામે અંદાજે 8,345 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ મુક્ત કરાયેલી આ જમીનની બજાર કિંમત રૂ.35 લાખથી વધુ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર થતાં સ્થાનિક સ્તરે પણ આ કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવ્યું છે.
જિલ્લા પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે, બાંધકામ સહન કરવામાં આવશે નહીં. આવનારા સમયમાં પણ આવા કબજાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સરકારી મિલકતોને સુરક્ષિત રાખવા માટે તંત્ર સતત સતર્ક રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar