
કચ્છ, 19 જૂન (હિ.સ.) : માંડવી તાલુકાના નાગ્રેચા ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોકોમાં ભયનું કારણ બનેલી દીપડી આખરે આજે વન વિભાગના હાથે પાંજરે પુરાઈ ગઈ છે. ગામમાં વારંવાર દેખાતી અને પશુઓ પર હુમલા કરતી આ દીપડીને ઝડપી લેતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ગત અઢી મહિનાથી નાગ્રેચા અને નજીકના વિસ્તારોમાં દીપડીની અવરજવર સતત નોંધાઈ રહી હતી. આ દરમિયાન અનેક પશુઓનો શિકાર થતા પશુપાલકોમાં ચિંતા વધી હતી. ખાસ કરીને ગાયો સહિતના પાલતુ પશુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતા ગ્રામજનો રાત્રિના સમયે વધુ સતર્ક બન્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડી ગામની અંદર સુધી પહોંચતી હોવાથી લોકોમાં ડરનું વાતાવરણ સર્જાયું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં ગામના અનેક લોકોની હાજરી વચ્ચે જ દીપડીએ એક પશુનું મારણ ખેંચી લઈ જતાં લોકોમાં ભય વધુ ઘેરો બન્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીપડીને પકડવા માટે વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું.
વન વિભાગની ટીમે દીપડીની હિલચાલ પર સતત નજર રાખી હતી. પગલાંના નિશાન, અવરજવરનો માર્ગ અને અન્ય પુરાવાઓના આધારે છેલ્લા છ દિવસથી તેનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં આકર્ષણ માટે મારણ પણ મૂકવામાં આવ્યું હતું. વન વિભાગની મહેનત આખરે રંગ લાવી અને આજે વહેલી સવારે દીપડી પાંજરામાં ફસાઈ ગઈ. દીપડી પકડાતાં જ ગામમાં રાહતનો માહોલ છવાઈ ગયો હતો. લાંબા સમયથી ભયમાં જીવતા લોકો માટે આ સમાચાર આશ્વાસનરૂપ બન્યા હતા.
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલી દીપડીની ઉંમર અંદાજે અઢીથી ત્રણ વર્ષ જેટલી હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે આ ઉંમરની દીપડીઓ પોતાની માતાથી અલગ થઈને નવા વિસ્તારની શોધમાં ભટકતી હોય છે. અનુભવના અભાવે તેઓ ઘણી વખત જંગલની બહાર માનવ વસાહતો તરફ આવી જાય છે અને સરળતાથી ઉપલબ્ધ પાલતુ પશુઓને શિકાર બનાવે છે. આ જ કારણસર આવી ઉંમરની દીપડીઓ માનવ વસાહતોની નજીક વધુ જોવા મળતી હોય છે.
આ સમગ્ર કામગીરી પશ્ચિમ કચ્છના વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે સતત દેખરેખ, સતર્કતા અને યોગ્ય આયોજન દ્વારા આ ઓપરેશન સફળ બનાવ્યું. દીપડી પકડાઈ જતા નાગ્રેચા ગામ અને આસપાસના વિસ્તારોના લોકો હવે નિરાંતે શ્વાસ લઈ રહ્યા છે, જ્યારે વન વિભાગે લોકોને જંગલી પ્રાણીઓ દેખાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ પણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar