
કચ્છ, 19 જૂન (હિ.સ.) : રાજ્યના નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે દર મહિને યોજાતા મુખ્યમંત્રીશ્રીના ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમની જૂન મહિનાની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ આ વખતે 22 જૂન, સોમવારના રોજ યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખી રાજ્ય સ્વાગતના આયોજનમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. પરિણામે, જૂન મહિનાનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ નિર્ધારિત તારીખ પહેલાં યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવનારા અરજદારો પોતાની સમસ્યાઓ, ફરિયાદો અને રજૂઆતો લઈને સીધા સરકાર સમક્ષ પહોંચી શકશે. રજૂઆતકારોએ 22 જૂનના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ હાજર રહી પોતાની રજૂઆત નોંધાવવાની રહેશે.
કાર્યક્રમના બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ સ્વયં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સાથે જ વિવિધ વિભાગોના અધિકારીઓ અને તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપીને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ પણ આપશે. રાજ્ય સરકારના આ પ્રયાસનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમની સમસ્યાઓના ઉકેલ માટે સીધી અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે.
રાજ્ય સ્વાગત કાર્યક્રમ વર્ષોથી નાગરિકો અને સરકાર વચ્ચેના સંવાદનું અસરકારક માધ્યમ બની રહ્યો છે, જેમાં લોકો પોતાની સમસ્યાઓ સીધી સરકાર સમક્ષ રજૂ કરી શકે છે અને તેના નિરાકરણ માટે જવાબદાર તંત્રની જવાબદારી પણ નક્કી થાય છે. જૂન મહિનાનો આ વિશેષ કાર્યક્રમ પણ રાજ્યભરના અરજદારો માટે મહત્વપૂર્ણ અવસર સાબિત થવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar