તેરા-નલીયા હાઇવે પર ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી: ઓવરલોડ રેતી ભરેલો ટ્રક જપ્ત, રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
કચ્છ, 19 જૂન (હિ.સ.) : અબડાસા તાલુકામાં ગેરરીતિપૂર્વક ખનીજ પરિવહન કરતા તત્વો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિની સૂચનાના અનુસંધાને મામલતદાર અબડાસા અને તેમની ટીમે આજે તેરા-નલીયા હાઇવે પર વિશ
તેરા નલિયા હાઈવે પર કબ્જે કરાયેલ વાહન


કચ્છ, 19 જૂન (હિ.સ.) : અબડાસા તાલુકામાં ગેરરીતિપૂર્વક ખનીજ પરિવહન કરતા તત્વો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિની સૂચનાના અનુસંધાને મામલતદાર અબડાસા અને તેમની ટીમે આજે તેરા-નલીયા હાઇવે પર વિશેષ ચેકિંગ હાથ ધરીને નિયમોનો ભંગ કરતા એક ટ્રક સામે કાર્યવાહી કરી હતી.

આજની તપાસ દરમિયાન સાદી રેતીનું પરિવહન કરી રહેલા ટ્રક નંબર GJ-23-Y-1881ને રોકી તેની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકમાં મંજૂરી કરતાં વધુ પ્રમાણમાં રેતી ભરવામાં આવી હતી. વધુમાં, ખનીજ પરિવહન માટે આપવામાં આવેલ રોયલ્ટી પાસ (ડીસી પાસ)ની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ખનીજનું વહન કરવામાં આવી રહ્યું હતું, જે ખનિજ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે.

અધિકારીઓએ ટ્રકમાં અંદાજે 2.74 મેટ્રિક ટન જેટલી સાદી રેતી ઓવરલોડ હોવાનું નોંધ્યું હતું. નિયમભંગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વાહન અને તેમાં રહેલા ખનીજ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રક અને ખનીજની કુલ અંદાજિત કિંમત રૂ. 10,05,146 જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

જપ્ત કરાયેલ ટ્રકને આગળની કાનૂની કાર્યવાહી માટે મામલતદાર કચેરી અબડાસાના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહન અટકાવવા માટે જિલ્લામાં સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્યવાહીથી ખનીજના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande