


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરની વી.જે. મદ્રેસા હાઈસ્કૂલ ખાતે શાળાની શિક્ષિકા બહેનો અને તાલીમાર્થી બહેનો માટે ‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને ઘરેલું હિંસા વિરોધી કાયદાઓ અંગે માહિતગાર કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત ‘ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)’ની કામગીરી તેમજ મહિલા સશક્તિકરણ માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ અંગે માહિતી આપી હતી.
આ સેમિનારમાં પીબીએસસી (PBSC)ના કાઉન્સેલર તેજલબેન રાજાણીએ મહિલાઓ માટે કાર્યરત સહાય કેન્દ્રની સેવાઓ અંગે માહિતી આપી હતી. અને સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક રાજીબેન સોલંકીએ મહિલાઓ અને બાળાઓ સામેની હિંસાના કેસોમાં ઉપલબ્ધ કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, તાત્કાલિક આશ્રય અને અન્ય સહાય સેવાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર ખુશ્બુબેને મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇનની ઉપયોગિતા સમજાવી હતી તેમજ ઉપસ્થિત બહેનોને મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટ (DHEW)ના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સંધ્યાબેન જોષીએ વ્હાલી દીકરી યોજના સહિતની મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. ચિરાગભાઈ દવે અને સૌરભભાઈ મારૂએ વ્હાલી દીકરી યોજના અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને એડવોકેટ લક્ષ્મીબેન સિંગરખીયાએ ‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ની વિવિધ જોગવાઈઓ અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં વી.જે. મદ્રેસા હાઈસ્કૂલના ટ્રસ્ટી ફારુકભાઈ સુર્યા, આચાર્ય ઇસ્માઈલ મુલતાની, DHEW, PBSC, OSC અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓ સહિત આશરે 100 જેટલી શિક્ષિકા અને તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત બહેનોને જ્યુટ બેગ, માહિતીપત્રિકા અને અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ઇસ્માઈલ મુલતાનીએ કર્યું હતું. કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી. ટાઢાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya