
મહેસાણા, 19 જૂન (હિ.સ.)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026 નિમિત્તે મહેસાણા જિલ્લામાં 21 જૂન, 2026ના રોજ વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, આયુષ વિભાગ તેમજ વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
“યોગ કરો - નિરોગી રહો”ના સંદેશ સાથે લોકોને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. યોગ માત્ર શારીરિક કસરત જ નહીં પરંતુ માનસિક શાંતિ, આત્મિક વિકાસ અને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જતું મહત્વપૂર્ણ સાધન છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા તણાવમાં ઘટાડો, એકાગ્રતામાં વધારો અને વિવિધ બીમારીઓ સામે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
જિલ્લામાં યોજાનારા કાર્યક્રમોમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ સરકારી કર્મચારીઓને પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ અત્યંત જરૂરી છે. તેથી 21 જૂનના રોજ યોજાનારા યોગ દિવસના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગના લાભોનો લાભ લેવા અને સ્વસ્થ શરીર તથા શાંત મન તરફ આગળ વધવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR