
મહેસાણા, 19 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં અગ્નિસુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અત્યાધુનિક ફાયર ટેન્ડરનું આજરોજ વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હસ્તે લીલી ઝંડી આપી નવા ફાયર ટેન્ડરને જનસેવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ ફાયર ટેન્ડર ગુજરાત સરકારની 25-26 નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઊંઝા નગરપાલિકાને ફાળવવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ આ ફાયર ટેન્ડર શહેરમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓ દરમિયાન ઝડપી અને અસરકારક કામગીરી માટે ઉપયોગી સાબિત થશે. તેના કારણે ફાયર વિભાગની કામગીરીમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા આવશે.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર, નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, ફાયર વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરને લીલી ઝંડી આપી સેવામાં મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખે શહેરની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આ મહત્વપૂર્ણ ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નવા ફાયર ટેન્ડરના આગમનથી ઊંઝા શહેરની અગ્નિસુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત બનશે અને નાગરિકોને વધુ ઝડપી રાહત સેવા ઉપલબ્ધ થશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR