
મહેસાણા, 19 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનની ટીમે પોક્સો અને અપહરણ સહિતના ગંભીર ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 11206023240053/2024 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2)(આઈ) તેમજ પોક્સો એક્ટ-2012ની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ આરોપી ઠાકોર દશરથજી બાબુજી અણદાજી (રહે. સુંઢીયા-આંબાવાડી, તા. વડનગર, જી. મહેસાણા) છેલ્લા અઢી વર્ષથી ફરાર હતો.
ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જય કંસારા અને પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. કરેણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે આરોપી વરેઠા-ડાલીસણા રોડ વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ કામગીરીમાં પીએસઆઈ એ.આર. ચૌધરી સહિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આરોપીની ધરપકડ થતાં લાંબા સમયથી બાકી રહેલા કેસની તપાસમાં મહત્વની પ્રગતિ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR