
મહેસાણા, 19 જૂન (હિ.સ.)
સ્વચ્છ ગુજરાત–પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહેસાણા જિલ્લામાં નાગરિકોને કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. અભિયાન અંતર્ગત ભીના, સૂકા, સેનિટરી તેમજ સ્પેશિયલ કેર વેસ્ટને અલગ-અલગ રાખી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનમાં જ આપવાની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સમજાવવામાં આવ્યું હતું કે ઘરમાંથી નીકળતા કચરાનું સ્ત્રોત સ્તરે જ યોગ્ય વર્ગીકરણ કરવામાં આવે તો તેના નિકાલ અને રિસાયક્લિંગની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બની શકે છે. ભીના કચરામાં રસોડાના જૈવિક કચરાનો સમાવેશ થાય છે, જ્યારે સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉપરાંત સેનિટરી અને અન્ય વિશેષ કચરાને અલગ રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા સ્વચ્છતા જાળવવાની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બને છે. નાગરિકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત મહેસાણાના નિર્માણ માટે દરેક નાગરિકનો સહયોગ જરૂરી હોવાનું જણાવી સ્વચ્છતા જાળવવા માટે સામૂહિક જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR