
મહેસાણા, 19 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્કોડે ફરાર આરોપીઓને પકડવા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાજ્યભરમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. (ક્રાઇમ અને રેલ્વે) ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાની સૂચના મુજબ પેરોલ-ફર્લો સ્કોડ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે મળેલી બાતમીના આધારે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઠાકોર રોહિતજી ગોવિંદજી (ઉ.વ. 25), રહે. સુઢીયા હઠીપુરા, તાલુકો વડનગરને સુઢીયા-ખેરાલુ રોડ પર આવેલ આશીર્વચન સર્વિસ સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીની ઓળખ અને પૂછપરછ દરમિયાન તે સંબંધિત ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI નરેન્દ્રસિંહ હઠીસિંહ, ASI દિનેશજી મલાજી સહિત પેરોલ-ફર્લો સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR