
મહેસાણા, 19 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વહીવટીતંત્રની પ્રિ-મોન્સુન કામગીરી અંગેના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે. પ્રથમ વરસાદમાં જ શહેરના અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર અંદાજે 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં વર્ષોથી ચાલતી આવતી સમસ્યા ફરી એકવાર સામે આવી છે.
અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં નાના-મોટા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. અનેક વાહનચાલકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું, જ્યારે કેટલાક વાહનચાલકોએ વિકલ્પરૂપ માર્ગોનો સહારો લેવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
સ્થાનિક નાગરિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા ડ્રેનેજ સફાઈ અને વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ-મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ તેની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. સમસ્યા યથાવત રહેતા લોકોમાં અસંતોષ ફેલાયો છે.
નાગરિકોએ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR