ભાણાવાસ દૂધ ડેરી વિવાદ: 40 વર્ષથી ચૂંટણી નહીં થઈ હોવાનો આક્ષેપ, પશુપાલકોનો વિરોધ
મહેસાણા, 19 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટ સામે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે ડેરીમાં છેલ્લા 40 વર્ષથી સભાસદો કે પ્રમુખની ચૂંટણી યોજાઈ નથી અને વર્ષોથી એક
ભાણાવાસ દૂધ ડેરી વિવાદ: 40 વર્ષથી ચૂંટણી નહીં થઈ હોવાનો આક્ષેપ, પશુપાલકોનો વિરોધ


મહેસાણા, 19 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામમાં સ્થાનિક દૂધ ડેરીના વહીવટ સામે પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પશુપાલકોએ આક્ષેપ કર્યો છે કે ડેરીમાં છેલ્લા 40 વર્ષથી સભાસદો કે પ્રમુખની ચૂંટણી યોજાઈ નથી અને વર્ષોથી એક જ જૂથ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. સહકારી કાયદા મુજબ દર 5 વર્ષે લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ચૂંટણી અથવા વહીવટી ફેરફાર થવો જરૂરી હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નથી.

પશુપાલકોના જણાવ્યા અનુસાર, ડેરીની સામાન્ય સભામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવતા પ્રમુખ ઉશ્કેરાયા હતા અને રજૂઆત કરવા આવેલા પશુપાલકોને ડેરીમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ ગામનું દૂધ સ્વીકારવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 4 દિવસથી રોજનું અંદાજે 300થી 400 લીટર દૂધ લેવામાં ન આવતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર દૂધ વહેતા જોવા મળતાં ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

પશુપાલકોએ સહકારી કમિશનર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી ડેરીની હાલની કમિટી બરખાસ્ત કરી નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ મામલે ડેરી તંત્રનો પક્ષ હજુ સુધી જાહેર થયો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande