
પાટણ, 19 જૂન (હિ.સ.)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ક્રીડા ભારતી પાટણ જિલ્લા દ્વારા 17થી 19 જૂન દરમિયાન પાટણ, સમી અને શંખેશ્વર તાલુકામાં ત્રણ દિવસીય યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિબિરનો મુખ્ય હેતુ બાળકોને મોબાઈલ અને વીડિયો ગેમ્સથી દૂર રાખી દેશી રમતો તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ દરમિયાન યોગાભ્યાસ, ભજન, ક્રીડા ભારતીનો પરિચય અને ક્રીડા જ્ઞાન પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આશરે 600 વિદ્યાર્થીઓ તથા આનંદ પ્રકાશ સ્કૂલમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીનીઓને યોગ તાલીમ આપવામાં આવી હતી.
પાટણમાં રૂપલબેન વ્યાસ અને ભારતીબેન જોશી, સમીમાં જાગૃતિબેન પ્રજાપતિ તથા શંખેશ્વરમાં ડૉ. રાજેશભાઈ રબારીએ તાલીમ આપી હતી. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મુખ્ય કાર્યક્રમ માટે પણ ક્રીડા ભારતી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ