
બોટાદ, 19 જૂન (હિ.સ.) બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસી ગોપાલભાઈ ભોજવીયાના મોતની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તુલસીબેને ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની મદદથી તુલસીબેનને રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર તુલસી નાગનેશ ગામે શિવરાજભાઈ કાવિઠીયા સાથે મૈત્રી કરાર હેઠળ રહેતા હતા. ચાર વર્ષ અગાઉ તેમના લગ્ન ધંધુકા તાલુકાના ઉતળીયા ગામે થયા હતા. તેમને અઢી વર્ષની એક દીકરી પણ હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના અચાનક થયેલા મોતથી પરિવારજનો અને સગાસંબંધીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં તુલસીબેનના માતા-પિતા તથા પિયર પક્ષના લોકો રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે પોતાની દીકરીએ આપઘાત કર્યો હોવાની વાતને નકારી કાઢી હતી અને તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. પિયર પક્ષે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરી છે.
બીજી તરફ રાણપુર પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. યુવતીએ ખરેખર આપઘાત કર્યો હતો કે પછી તેના મોત પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે અંગે પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. ગામમાં આ બનાવને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA