
વડોદરા, 19 જૂન (હિ.સ.) 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ માટે વિશેષ સુવિધાઓની જાહેરાત કરી છે. પરીક્ષાના દિવસે મુસાફરી સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહે તે માટે વડોદરા મંડળ હેઠળના મુખ્ય રેલવે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું કે વડોદરા, આણંદ અને ભરૂચ રેલવે સ્ટેશનો પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે. અહીં નિયુક્ત રેલવે કર્મચારીઓ પરીક્ષાર્થીઓને ટ્રેન કનેક્ટિવિટી, સ્પેશિયલ ટ્રેનો તેમજ અન્ય જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરૂં પાડશે.
વધારાની ભીડને ધ્યાનમાં રાખીને વડોદરા સ્ટેશન પર ત્રણ અને આણંદ, ગોધરા, ભરૂચ તેમજ ખેડા-નડિયાદ સ્ટેશનો પર એક-એક વધારાનો UTS કાઉન્ટર શરૂ કરવામાં આવશે. જેથી ટિકિટ મેળવવામાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.
આ ઉપરાંત વાણિજ્ય વિભાગ, કાર્મિક વિભાગ અને રેલવે સુરક્ષા દળ (RPF)ના અધિકારીઓ તથા કર્મચારીઓની વિશેષ તૈનાતી કરવામાં આવશે. તેઓ ભીડ નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, માહિતી પ્રસારણ અને મુસાફરોને જરૂરી સહાયતા ઉપલબ્ધ કરાવશે.
મુસાફરોની સુવિધા માટે સ્ટેશનો પર સમયાંતરે જાહેર જાહેરાતો તથા મુસાફરી સંબંધિત માહિતીનું પ્રસારણ કરવામાં આવશે. પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓને સમયસર માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષા દરમિયાન ટ્રેનોની સમયપાલનતા જળવાઈ રહે તે માટે પણ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સ્ટેશન મેનેજમેન્ટ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પરીક્ષાર્થીઓને તેમના ગંતવ્યસ્થળે સમયસર પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા બે વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસ-મણિનગર સ્પેશિયલ સુરત, ભરૂચ, વિશ્વામિત્રી અને આણંદ સ્ટેશનો પર રોકાશે. જ્યારે ટ્રેન નંબર 09351 બાંદ્રા ટર્મિનસ-ડૉ. આંબેડકર નગર સ્પેશિયલ સુરત, અંકલેશ્વર, ભરૂચ, છાયાપુરી અને ગોધરા સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે તમામ NEET પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી છે અને મુસાફરી દરમિયાન રેલવે કર્મચારીઓના સૂચનોનું પાલન કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે