


છોટાઉદેપુર, 19 જૂન (હિ.સ.) : પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એમ.સી. રાઠવા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને યુવાધનને સુરક્ષિત તેમજ જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ જાગૃતિ તેમજ નાર્કોટિક્સ ડ્રગ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર રાણા દ્વારા વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ જેવા કે ઓનલાઇન નાણાકીય છેતરપિંડી, સોશિયલ મીડિયા ફ્રોડ, હનીટ્રેપ અને ફેક આઇડી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પોતાના પર્સનલ ડેટા, બેંક વિગતો કે ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરવા અને સાયબર ક્રાઇમનો ભોગ બનવાના કિસ્સામાં તુરંત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.
યુવા પેઢી નશાના રસ્તે ન ચડે તે માટે ડ્રગ્સ મુક્ત ભારત ના સંકલ્પ સાથે નાર્કોટિક્સ ડ્રગ્સના ગંભીર પરિણામો વિશે યુવાનોને જાગૃત કરવામાં આવ્યા હતા. નશીલા પદાર્થોના સેવનથી સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્ય પર પડતી ઘાતક અસરો વિશે સમજાવીને તમામ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા અને સમાજમાંથી આ દૂષણને નાબૂદ કરવા સહભાગી થવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
યુવાધન દેશનું ભવિષ્ય છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો સદ્દઉપયોગ થાય અને યુવાનો નશા જેવા સામાજિક દૂષણોથી દૂર રહી સદમાર્ગે વળે તેવા આશયથી પોલીસ વિભાગ દ્વારા આ પ્રશંસનીય જનજાગૃતિ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકગણ, પાવીજેતપુર પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પાવીજેતપુર એમ સી રાઠવા કોલેજમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ જાગૃતિ અભિયાન યોજયું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ