
નિયામી (નાઇજર), નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) નાઇજરની રાજધાની નિયામીમાં આવેલા ડિયોરી હમાની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે વહેલી સવારે આતંકવાદી હુમલો થયો હતો. એરપોર્ટ પર એક કલાકથી વધુ સમય સુધી વિસ્ફોટો અને ગોળીબાર ચાલુ રહ્યો. નાઇજરની સૈન્ય સરકારના પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હુમલામાં 11 સૈનિકો અને 22 આતંકવાદીઓ માર્યા ગયા છે.
અંગ્રેજી અખબાર 'પ્રીમિયર ટાઇમ્સ નાઇજીરિયા'ના અહેવાલ અનુસાર, આ હુમલામાં બે સામાન્ય નાગરિકોના પણ મોત થયા છે. જણાવવામાં આવ્યું છે કે, ગોળીબાર એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શરૂ થયો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર એરપોર્ટ પરિસરને ઘેરી લીધું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સેનાએ ઘેરાબંધી કરતાં આતંકવાદીઓ આડેધડ ભાગવા લાગ્યા હતા. નાઇજરની સેનાએ તેમનો પીછો કર્યો. ભાગતી વખતે આતંકવાદીઓ પોતાના હથિયારોનો મોટો જથ્થો સ્થળ પર જ છોડી ગયા હતા. હજુ સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ આ જ વર્ષે જાન્યુઆરીમાં આ એરપોર્ટ પર આવી જ એક ઘટના બની હતી.
તે સમયે સાહેલ ક્ષેત્રમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સશસ્ત્ર આતંકવાદીઓએ મોર્ટાર અને ડ્રોનનો ઉપયોગ કરીને અનેક દિશાઓમાંથી હુમલો કર્યો હતો. તેમણે નાગરિક ટર્મિનલ અને તેની બાજુમાં આવેલા એર બેઝ-101ને નિશાન બનાવ્યું હતું. આ એર બેઝ દેશના સૈન્ય અભિયાનો માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર માનવામાં આવે છે. જાન્યુઆરીના હુમલા દરમિયાન નાઇજરની સેના સાથે રશિયન આફ્રિકા કોર્પ્સના લડવૈયાઓ પણ સામેલ હતા. તેમણે અનેક આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને કેટલાકને જીવતા પકડી લીધા હતા. આ હુમલામાં રનવે, સૈન્ય વાહનો અને વ્યાવસાયિક વિમાનોને પણ ભારે નુકસાન થયું હતું.
નાઇજર છેલ્લા એક દાયકાથી વધુ સમયથી સંગઠિત ઇસ્લામી ઉગ્રવાદી બળવાખોરીનો સામનો કરી રહ્યો છે. તેના પડોશી દેશો માલી અને બુર્કિના ફાસોની જેમ નાઇજરમાં પણ સૈન્ય શાસન છે. આ સૈન્ય સરકારે સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી હિંસાને નિર્ણાયક રીતે સમાપ્ત કરવાનો વાયદો કરીને સત્તા હાંસલ કરી હતી. નાઇજર હિંસક ઉગ્રવાદ વિરુદ્ધ અનેક મોરચાઓ પર લડાઈ લડી રહેલા દેશોના કેન્દ્રમાં છે. 2010ના દાયકાના મધ્યકાળથી જ ઉગ્રવાદે સમગ્ર સાહેલ ક્ષેત્રને અસ્થિર બનાવી દીધું છે.
હાલમાં નાઇજર વિવિધ બળવાખોર સંગઠનોનો સામનો કરી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં (માલી અને બુર્કિના ફાસોની સરહદો નજીક) તે આઈએસ-સાહેલ અને અલ-કાયદા સાથે જોડાયેલા જેએનઆઈએમ સામે લડી રહ્યો છે. જ્યારે દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં (લેક ચાડ નજીક) તે બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ