
નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.) કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે, પૂર્વોત્તર પ્રદેશ તેની ટકાઉ કૃષિ અને જૈવિક ઉત્પાદનોની તાકાતનો ઉપયોગ કરીને ભારતનું આગામી વિકાસ એન્જિન બનવાની ક્ષમતા ધરાવે છે. મેઘાલય રાજ્ય વૈશ્વિક બજારોમાં તેના વિશ્વાસને કારણે આ ક્ષેત્રનું નેતૃત્વ કરવા માટે વિશેષ સ્થિતિમાં છે.
મેઘાલયના રી-ભોઈ જિલ્લાના ભોઈરીમબોંગમાં, પૂર્વોત્તરના સૌથી મોટા જૈવિક મસાલા પ્રક્રિયા એકમના ઉદ્ઘાટન સમારોહમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કૃષિનું ભવિષ્ય હવે ફક્ત વધુ ઉત્પાદન કરનારાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ બહેતર, સ્વચ્છ, ભરોસાપાત્ર અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ઉત્પાદનો આપનારાઓના હાથમાં છે.
નાણાં મંત્રીએ કહ્યું કે, જ્યારે મેઘાલયના ખેડૂતો આગળ વધશે, ત્યારે આખો પૂર્વોત્તર પ્રદેશ આગળ વધશે. જ્યારે પૂર્વોત્તર આગળ વધશે, ત્યારે ભારતની વિકાસ યાત્રાને એક નવું એન્જિન મળશે. સીતારમણે મેઘાલય સરકાર, મહિલા જૂથો અને ઉદ્યોગસાહસિકોને રાજ્યમાં જૈવિક કૃષિ આંદોલનને, આગળ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા.
મેઘાલયની સ્પર્ધાત્મક ક્ષમતા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યને મોટા કૃષિ રાજ્યો સાથે જથ્થાના આધારે સ્પર્ધા કરવાની જરૂર નથી, કારણ કે ભવિષ્ય ભરોસાપાત્ર ગુણવત્તા અને ભરોસાપાત્ર ઉત્પાદકોનું છે.
આ પ્રસંગે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ ગોલે અને મેઘાલયના નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટિનસોંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ