
પાટણ, 19 જૂન (હિ.સ.) પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા વર્ષ 2026થી 2031 સુધીના આગામી પાંચ વર્ષ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બેંકની કુલ 15 બેઠકો માટે 5 જુલાઈ, 2026ના રોજ મતદાન યોજાશે. આ બેઠકોમાં 2 મહિલાઓ માટે અને 1 બેઠક એસ.સી./એસ.ટી. વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. ચૂંટણી અધિકારી તરીકે કે. એમ. પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મનું વિતરણ 22 જૂનના રોજ થશે, જ્યારે ભરેલા ફોર્મ 23 અને 24 જૂને સ્વીકારવામાં આવશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 24 જૂને સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા 25 અને 26 જૂને પૂર્ણ થશે તેમજ 26 જૂને સાંજે 6 વાગ્યે ચૂંટણી નિશાન ફાળવવામાં આવશે.
જો ચૂંટણી જરૂરી બનશે તો 5 જુલાઈ, રવિવારે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી માટેનું સ્થળ શેઠ એમ. એન. હાઈસ્કૂલ સંકુલ, કાળકા રોડ, કનસડા દરવાજા બહાર, પાટણ નક્કી કરવામાં આવ્યું છે.
મતદાન માટે માત્ર તે સભાસદો પાત્ર ગણાશે જેઓ 31 માર્ચ, 2025 સુધી સભાસદ બન્યા હોય અને ચૂંટણીના દિવસે પણ તેમનું સભાસદપદ ચાલુ હોય. ઉમેદવારી નોંધાવવા માટે સભાસદપદ ઓછામાં ઓછું ત્રણ વર્ષ જૂનું હોવું જરૂરી છે. મુદત વીતી બાકીદાર સભાસદોને મતદાનનો અધિકાર મળશે નહીં.
સભાસદોએ મતદાન સમયે બેંક દ્વારા આપવામાં આવેલ ઓળખકાર્ડ સાથે લાવવું ફરજિયાત રહેશે. પેઢીના સભાસદોએ KYC પૂર્ણ કરીને અધિકારપત્ર રજૂ કરવું પડશે. વ્યક્તિગત, પ્રોપ્રાઈટર, ભાગીદારી પેઢી અથવા સંસ્થાઓને ફોટો આઈડી કાર્ડ રજૂ કર્યા બાદ જ મતદાન કરવાની મંજૂરી મળશે. વધુ માહિતી માટે બેંક સમય દરમિયાન ચૂંટણી અધિકારીનો સંપર્ક કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ