જાણીતા યાત્રાધામ પાવાગઢ પર વરસાદમાં પથ્થર ગબડતાં યાત્રિકો દટાયા,2 મૃતદેહ મળ્યા
- વહેલી સવારે 5 વાગ્યા આસપાસ દુર્ઘટના પાવાગઢ/અમદાવાદ,19 જૂન (હિ.સ.) જાણીતા યાત્રાધામ પાવાગઢમાં વરસાદમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ છે. આ પથ્થરો ગગડીને પગથિયાં ઉપર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા હતા. જેમાં બે લોકોના મોત
Pilgrims buried by falling stones in rain at famous pilgrimage site Pavagadh


- વહેલી સવારે 5 વાગ્યા આસપાસ દુર્ઘટના

પાવાગઢ/અમદાવાદ,19 જૂન (હિ.સ.) જાણીતા યાત્રાધામ પાવાગઢમાં વરસાદમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ છે. આ પથ્થરો ગગડીને પગથિયાં ઉપર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી યથાવત છે. ધોધમાર વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે.

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક મોટી દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતાં કેટલાક યાત્રિકો તેની નીચે દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે.આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યો છે. હજુ પણ અન્ય કેટલાક યાત્રિકો દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય વેગવંતું કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande