ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ ₹47,600 કરોડની ભેટ આપશે
ભુવનેશ્વર, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને ઓડિશાના પ્રવાસે રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક અવસર હશે. તેમના આ પ્રવાસમાં બંને શીર્ષ નેતાઓ મયૂરભંજ જિલ્લાના પ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


ભુવનેશ્વર, નવી દિલ્હી, 19 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને ઓડિશાના પ્રવાસે રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે, જે રાજ્ય માટે એક ઐતિહાસિક અવસર હશે. તેમના આ પ્રવાસમાં બંને શીર્ષ નેતાઓ મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે અને રાજ્ય સરકારના બે વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સવારે લગભગ 11:15 વાગ્યે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામ પહોંચશે. અહીં તેઓ સંથાલી જાહેરા અને હો જાહેરા જેવા પવિત્ર ઉપવનોમાં પૂજા-અર્ચના કરશે તથા કૌશલ્ય કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. આ યાત્રા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ તથા સામાજિક-આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને રેખાંકિત કરશે.

ત્યારબાદ બપોરે લગભગ 1 વાગ્યે બંને નેતાઓ મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં આયોજિત રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં સામેલ થશે. વિકાસ રા ધારા, ઓડિશા સારા થીમ પર આધારિત આ કાર્યક્રમ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ₹47,600 કરોડથી વધુ ખર્ચવાળી વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. વડાપ્રધાન આ અવસરે જનસભાને પણ સંબોધિત કરશે.

આ પરિયોજનાઓનો સંબંધ ઊર્જા, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ, માર્ગ જોડાણ, પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, પર્યટન અને સિંચાઈ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે છે. સરકાર અનુસાર, આ પરિયોજનાઓ રાજ્યમાં માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા, જોડાણ વ્યવસ્થામાં સુધાર કરવા, ઊર્જા સુરક્ષા વધારવા અને રોજગારની નવી તકો ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જે મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, તેમાં 600 મેગાવોટ ક્ષમતાવાળી અપર ઇન્દ્રાવતી પમ્પ્ડ સ્ટોરેજ પરિયોજના, આઈબી થર્મલ પાવર સ્ટેશનના સ્ટેજ-II વિસ્તરણ હેઠળ 660 મેગાવોટના બે નવા એકમો તથા ઝારસુગુડા જિલ્લાના લખનપુરમાં ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ (બીસીજીસીએલ) પરિયોજનાનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓથી ઊર્જા ઉત્પાદન ક્ષમતા વધવાની, ઘરેલું કોલસાના સ્વચ્છ ઉપયોગને પ્રોત્સાહન મળવાની અને ઔદ્યોગિક વિકાસને ગતિ મળવાની અપેક્ષા છે.

આ ઉપરાંત ભુવનેશ્વરમાં 300 ટીપીડી ક્ષમતાના ઘન કચરા આધારિત સંકુચિત બાયોગેસ પ્લાન્ટ, કટક અને ભુવનેશ્વરને સીધા જોડતા કાઠજોડી નદી પુલ, બૌધ જિલ્લામાં ઢાલપુર-હરભંગા માર્ગના પહોળાકરણ અને સુદૃઢીકરણ, નુઆપાડાથી ઘાટીપાડા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-353ના ચાર લેન વિસ્તરણ, કુસુમડીહી મેગા લિફ્ટ સિંચાઈ પરિયોજના, રાયરંગપુરમાં ઇગ્નો પ્રાદેશિક કેન્દ્ર અને ઇન્ડોર બેડમિન્ટન કોમ્પ્લેક્સ જેવી પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કરવામાં આવશે.

પ્રવાસ દરમિયાન બૌધ જિલ્લા મુખ્યાલય હોસ્પિટલની 300 પથારીવાળી નવી ઇમારત, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 24 અટલ બસ સ્ટેન્ડ તથા નવ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત એનએચ-57 પર નયાગઢ ટાઉન બાયપાસ, કુસુમી સ્માર્ટ સિંચાઈ પરિયોજનાનો ભૂગર્ભ પાઇપલાઇન ઘટક, જખપુરા–જાજપુર કેન્દુઝર રોડ–વૈતરણી રોડ મલ્ટી-ટ્રેકિંગ પરિયોજના, હિન્ડોલ રોડ–મેરામંડલી મલ્ટી-ટ્રેકિંગ પરિયોજના તથા રાયરંગપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આદિવાસી સંશોધન કેન્દ્ર સહિત અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

આ પ્રવાસ ઓડિશાના વિકાસ, માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને આદિવાસી વિસ્તારોના સર્વાંગી ઉત્થાનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીતા મહંતો / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande