
નવસારી, 19 જૂન (હિ.સ.) નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા વ્યસ્ત એરુ ચાર રસ્તા પર આજે માર્ગ અને મકાન વિભાગે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નેશનલ હાઇવેને ઐતિહાસિક દાંડી સાથે જોડતા માર્ગના વિસ્તરણ અને ફોરલેન પ્રોજેક્ટ અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું હતું. લાંબા સમયથી માર્ગ પહોળો કરવાની કામગીરીમાં અવરોધરૂપ બનેલા દબાણોને હટાવવાની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.
સવારે જ વિભાગના અધિકારીઓ JCB મશીનો સાથે સ્થળ પર પહોંચ્યા અને રોડની બંને બાજુએ આવેલા પાકા તથા કાચા બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. દુકાનોની બહાર માર્ગની હદમાં બનાવવામાં આવેલા ઓટલા અને અન્ય અવરોધોને તોડી પાડીને રસ્તાની બંને બાજુ આશરે 15 મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. માર્ગ અને મકાન વિભાગના અધિકારી નિલય નાયક તથા તેમની ટેકનિકલ ટીમ સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપતી હતી. સાથે જ જલાલપોર પોલીસ મથકના પીઆઇ એલ. જી. રાઠોડ પોતાના સ્ટાફ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા તૈનાત રહ્યા હતા.
સામાન્ય રીતે આવી ઝુંબેશ દરમિયાન વિરોધ જોવા મળતો હોય છે, પરંતુ એરુ ચાર રસ્તા પર વેપારીઓએ વિકાસકાર્યને ધ્યાનમાં રાખીને સકારાત્મક વલણ અપનાવ્યું હતું. અનેક વેપારીઓએ સ્વેચ્છાએ પોતાનો સામાન ખસેડી તંત્રને સહકાર આપ્યો હતો. પરિણામે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ અને માર્ગ વિસ્તરણના કામને વધુ ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે